શાપર-વેરાવળમાંથી સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ

કેશોદથી સગીરાને મૂકત કરાવી આરોપીની પોકસો હેઠળ અટકાયત

રાજકોટની ભાગોળે આવેલ ઔદ્યોગિક વસાહત શાપર વેરાવળમાંથી સગીરાને ભગાડી જવાના બનાવો સતત વધી રહ્યાં છે ત્યારે ચાર દિવસ પહેલા રામદેવનગરમાં રહેતી 13 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી યુવાન ભગાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને તેના વતન કેશોદ પંથકમાંથી ઝડપી લઈ બાળાને તેની ચુંગાલમાંથી મુકત કરાવી મેડીકલ ચેકઅપ કરાવતાં બાળા ઉપર ઢગાએ બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવતાં પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રામદેવનગર વિસ્તારમાં રહેતી 13 વર્ષ અને પાંચ માસની સગીરા ગત તા.7-10- 2023નાં મોડીરાત્રીનાં ઘરેથી નીકળી જઈ લાપત્તા થઈ હતી. આ અંગે બાળાના પિતાએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ પોલીસે સગીરાના અપહરણ અંગે તપાસ હાથ ધરતાં મુળ કેશોદ તાલુકાનાં ખમીધાણ ગામનો વતની અને પારપીપળીયા ગામે રહી મજુરી કામ કરતાં અજય સોમાભાઈ રાઠોડ (ઉ.24) નામનો યુવાન સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનું બહાર આવતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપી તેના વતન કેશોદ તાલુકાના ખમીધાણા ગામે હોવાની માહિતી મળતાં પોલીસે ખમીધાણા ગામે છાપો મારી આરોપી અજય સોમાભાઈ રાઠોડની ધરપકડ કરી તેની ચુંગાલમાંથી સગીરાને મુકત કરાવી હતી. પોલીસે સગીરાનું મેડીકલ ચેકઅપ કરાવતાં આરોપીએ તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવતાં પોલીસે બળાત્કારની કલમનો ઉમેરો કરી વિશેષ તપાસ હાથ ધરી છે. આ કામગીરી શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.કે. ગોહિલ, એએસઆઈ બ્રિજરાજસિંહ જાડેજા, વિરભદ્રસિંહ વાઘેલા, કુંદનભાઈ મકવાણા, તુષારસિંહ જાડેજા, ક્રિપાલસિંહ રાણા, મહેન્દ્રભાઈ ધાંધલ સહિતના સ્ટાફે કરી હતી.

રિલેટેડ ન્યૂઝ