દ્વારકામાં જુગાર રમતા 7 ઝડપાયા: દ્વારકાના યુવાન પર હુમલો
ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા તુલસીભાઈ રત્નાભાઈ પરમાર નામના 65 વર્ષના વૃદ્ધ તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ સાથે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા ડેનિશભાઈ તુલસીભાઈ પરમારએ ભાણવડ પોલીસને કરી છે.
તબિયત લથડતા કાટકોલાના વૃદ્ધનું મૃત્યુ
ભાણવડ તાલુકાના કાટકોલા ગામે રહેતા પાલાભાઈ સવાભાઈ હડગરા નામના 60 વર્ષના વૃદ્ધની તબિયત એકાએક લથડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ આવડો પાલાભાઈ હડગરાએ ભાણવડ પોલીસને કરી છે.
દ્વારકામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
દ્વારકાના બીરલા પ્લોટ વિસ્તારમાંથી પોલીસે રવિવારે સાંજના સમયે જુગાર દરોડો પાડી, મુકેશ દામજીભાઈ કણજારીયા (ઉ.વ. 55) નામના શખ્સના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગાર રમતા શિવુભા રવુભા માણેક, કચરા હમીર વારસાકીયા, પરસોત્તમ કરસનભાઈ પરમાર, દિલીપ જયંતીલાલ બથીયા, સોમભા કચરાભા માણેક અને ચંદ્રેશ શુક્લભા વાઘેલા નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા.પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 35,300 રોકડા તેમજ રૂપિયા 25,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 60,800 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
દ્વારકાના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ગુલામહુસેન ઈશાભાઈ લુચાણી નામના 30 વર્ષના યુવાને અગાઉ એક શખ્સ સામે કરેલી ફરિયાદમાં સમાધાન કરી લેવાનું કહી, પાલાભા તેમજ ડાડો ઈશાભાઈ ઢોકી અને અન્ય બે અજાણ્યા શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે બે અજાણ્યા સહિત તમામ ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.