મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડયો, પ્રાંત મામલતદારને આવેદન આરોપીઓની તાકિદે ધરપકડ નહી કરાય તો આંદોલનની ચીમકી
બગદાણા (તા. મહુવા, જી. ભાવનગર) ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે. આજે સાવરકુંડલા શહેર તથા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર (પ્રાંત અધિકારી) ને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. જેમાં કડક કલમોનો ઉમેરો: હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 (ખૂનનો પ્રયાસ), 61 (ગુનાહિત કાવતરું) અને 324 (મિલકતને નુકસાન) હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવે. કાવતરાની સચોટ તપાસ: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો કયા મોબાઈલથી ઉતારાયા, કોના કહેવાથી ઉતારાયા અને આ આખું કાવતરું કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે. આરોપીઓની ધરપકડ: ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવે. પોલીસ પર કાર્યવાહી: આ ગંભીર ગુનાની તપાસમાં જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદન પત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ન્યાય માટે અત્યંત ઉગ્ર અને જલદ આંદોલન છેડવામાં આવશે. આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર તેમજ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો યુવાનો હજારોની સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
