રૂ. 20.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
માલવણ-ધાંગધ્રા હાઈવે પર આવેલી બે હોટલમાંથી પોલીસે પોષ ડોડવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 102 કિલો 800 ગ્રામ પોષ ડોડવા સહિત કુલ રૂ. 20.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ ફરાર છે. ઝડપાયેલા આરોપીઓમાં વનારામ નર્સિંગારામ શિયા (ઉં.31), જે માલવણ હાઈવે પરની ’આલીશાન હોટલ’નો સંચાલક છે, અને જયરામ પુરારામ શિયા (ઉં.25), જે ’રામદેવ હોટલ’નો સંચાલક છે, તેમનો સમાવેશ થાય છે. બંને મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી છે. આ કેસમાં ઇમરાનખાન નસીબખાન મલેક અને સલીમખાન ઉર્ફે સલિયો અમીરખાન મલેક (બંને રહે. પીપળી, તા. પાટડી) ફરાર છે. આ ઉપરાંત, પોષ ડોડવાનો જથ્થો સપ્લાય કરનાર ભીખારામ જુગતારામ (રહે. નિબાલી દુધવા, બાડમેર, રાજસ્થાન) પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીઓની હોટલમાંથી 102 કિલો 800 ગ્રામ પોષ ડોડવા જપ્ત કર્યા હતા, જેની કિંમત રૂ. 15,42,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને જથ્થાની હેરાફેરીમાં વપરાયેલ રૂ. 5,00,000ની બોલેરો કેમ્પર ગાડી પણ જપ્ત કરવામાં આવી છે. આમ, કુલ રૂ. 20,52,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આરોપીઓ ગેરકાયદેસર રીતે પોષ ડોડવાનો જથ્થો વેચાણ અર્થે મંગાવીને પોતાની હોટલોમાં રાખી વેચાણ કરતા હતા. ફરાર આરોપીઓ ગુનામાં એકબીજાને મદદગારી કરી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
