કોર્પોરેશનની ટીમે પૂર્વ સૂચના આપ્યા વિના સીધી કાર્યવાહી કરી હોવાનું વેપારીઓનું રટણ
રાજકોટ શહેરના મોચીબજાર વિસ્તારમાં આજે મહાનગરપાલિકા દ્વારા કરાયેલી કાર્યવાહીથી ભારે ચર્ચા જગાઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા બાકી વેરા મુદ્દે અલગ-અલગ દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એક સાથે અનેક દુકાનો સીલ કરાતા સમગ્ર બજારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
કોર્પોરેશનની ટીમે પૂર્વ સૂચના કે યોગ્ય ચર્ચા કર્યા વિના સીધી કાર્યવાહી કરી હોવાનું વેપારીઓનું કહેવું છે. દુકાનો પર સીલ લગાવવાની કાર્યવાહી થતાં વેપારીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થયા હતા.
વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, કોઈપણ પ્રકારની યોગ્ય આકારણી કર્યા વિના તથા લેખિત નોટિસ આપ્યા વગર મનપસંદ રીતે પેનલ્ટી ફટકારવામાં આવી છે. કેટલાક વેપારીઓનું કહેવું છે કે તેઓ નિયમિત રીતે વેરા ચૂકવી રહ્યા છે છતાં પણ અચાનક દુકાનો સીલ કરવામાં આવી છે,આ પ્રકારની કાર્યવાહીથી તેમના રોજગાર પર સીધી અસર પડી છે.
આ મામલે વેપારી મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે, “કોઈ પણ પ્રકારની યોગ્ય આકારણી કર્યા વગર અમારી દુકાનોને મનગમતી રીતે પેનલ્ટી ફટકારવામાં આવી છે. અમને ન તો કોઈ નોટિસ આપવામાં આવી અને ન તો અમારી રજૂઆત સાંભળવામાં આવી. આ કાર્યવાહી સંપૂર્ણપણે અયોગ્ય છે.”
વેપારીઓએ કોર્પોરેશનને તાત્કાલિક સીલ હટાવીને યોગ્ય તપાસ અને ચર્ચા બાદ જ નિર્ણય લેવા માંગ કરી છે. જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાને લઈને શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે અને હવે કોર્પોરેશન તંત્ર વેપારીઓની ફરિયાદોને કેવી રીતે ઉકેલે છે તે જોવાનું રહ્યું છે.
