હાઇકોર્ટ દ્વારા નિયામકને તપાસ કરવા આદેશ અપાયો
બગસરા નગરપાલિકામાં મહિલા પ્રમુખને બદલે તેમના પતિ દ્વારા જ તમામ વહીવટ કરવામાં આવતો હોવાની ફરિયાદને હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટ દ્વારા નગરપાલિકા નિયામકને તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. બગસરા નગરપાલિકામાં છેલ્લા કેટલા સમયથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલ આક્ષેપ કરતા હતા કે બગસરા પાલિકા મહિલા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયા ભાગ્યે જ નગરપાલિકામાં આવે છે તેમજ નગરપાલિકાનો સમગ્ર વહીવટ પ્રમુખને બદલે તેમના પતિ એ.વી. રીબડીયા પ્રમુખની ખુરશીમાં બેસીને કરે છે, તેમજ તમામ પ્રકારના કાગળોમાં સહી પણ પતિ દ્વારા કરવામાં આવે છે વધુમાં નગરપાલિકાની કોઈપણ બાબત માટે મીડિયા સમક્ષ પણ પાલિકા પ્રમુખના પતિ જ ઉપસ્થિત થાય છે. આ બાબતે સરકારમાં રજૂઆત છતાં કોઈ યોગ્ય પ્રત્યુતર ન મળતા આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો જેમાં ચેમ્બરના પ્રમુખ દ્વારા ફોટોગ્રાફ રૂપી પુરાવા રજૂ કરવામાં આવતા હાઇકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઈને પાલિકા નિયામકને આ બાબતે તપાસ કરી અહેવાલ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે બગસરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડીયાએ જણાવ્યું હતું કે હું પ્રમુખની નહીં પરંતુ બાજુની ખુરશીમાં બેસું છું. જ્યોતનાબેન બી.એસ.સી. એગ્રીકલ્ચર ભણેલ છે તેઓ નગરપાલિકાનો સમગ્ર વહીવટ સંભાળી સહી કરવાની ક્ષમતા ધરાવે છે.
અનેક મહિલા હોદ્દેદારો શોભાના ગાંઠિયા સમાન
આ સમગ્ર પ્રકરણમાં થયેલ ફરિયાદને પગલે અનેક ચૂંટાયેલી મહિલા હોદ્દેદારોની જગ્યાએ તેમના પતિઓ જ વહીવટ કરતા હોય છે તો તે તમામ જગ્યાએ પણ આવી રીત ચેમ્બરના પ્રમુખ દિનેશભાઈ હડિયલ ફરિયાદ કરીને પગલાં લેવડાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
