તાલાલા વિસ્તારને આઝાદી પહેલા અંગ્રેજોએ આપેલ સવલત લોકશાહી શાસકો ઝુંટવી રહ્યા છે:લોકોમાં ભભૂકતો રોષ
તાલાલા પંથકના 45 ગામની ગરીબ-પછાત ગ્રામીણ મુસાફર જનતા માટે આશીર્વાદરૂપ જૂનાગઢ-દેલવાડા-જુનાગઢ તથા વેરાવળ-જુનાગઢ-વેરાવળ વિગેરે બંધ કરેલ ચાર ટ્રેનો તુરંત શરૂ કરવાની માંગણી સાથે તાલાલા પંથકના સર્વપક્ષીય અગ્રણીઓએ રેલવે સ્ટેશન અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. તાલાલાના એડવોકેટ મનસુખભાઈ કુંભાણીની રાહબરી હેઠળ ભાવનગર મંડળના ડી.આર.એમ ને મોકલેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાલાલા,ઉના,ગીર ગઢડા,વિસાવદર,ધારી,અમરેલી વિસ્તારની પ્રજા માટે જુનાગઢ અને દેલવાડા તથા વેરાવળ અને અમરેલી થી પેસેન્જર મીટરગેજ ટ્રેનો ની સવલત નો લાભ આઝાદી પહેલા અંગ્રેજોના શાસન વખતથી ત્રણ જિલ્લાના 10 થી 12 તાલુકાની ગ્રામીણ પ્રજાને મળે છે.આ ટ્રેનો 10 તાલુકાનાં ગરીબ અને ગીર વિસ્તારના પછાત લોકો માટે જીવાદોરી સમાન છે.આ ટ્રેનોની સવલત થી ગ્રામીણ પ્રજાને સારી અને સસ્તી પરિવહન સેવા પ્રાપ્ત થાય છે.આ ટ્રેનો પૈકી જુનાગઢ-દેલવાડા તથા વેરાવળ-જુનાગઢ ટ્રેનો તા.19 મીથી બંધ કરવામાં આવેલ છે.આ નિર્ણય 10 તાલુકાની ગ્રામીણ પ્રજા માટે હળાહળ અન્યાયકારક હોય અંગ્રેજોએ પ્રજાને આપેલ સવલત ચાલુ રાખવા આ નિર્ણય તુરંત રદ કરી યથાવત સમયપત્રક પ્રમાણે તમાંમ ટ્રેનો ચાલુ રાખવા માંગણી કરી છે..
આવેદનપત્રમાં ઉમેર્યું છે કે સોરઠના 10 તાલુકામાં નેટવર્ક ધરાવતી મીટરગેજ પેસેન્જર ટ્રેન ને બ્રોડગેજમાં રૂપાંતર કરવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી આ માટે બજેટમાં જરૂરી ગ્રાન્ટની જોગવાઈ પણ કરી છે…આ નિર્ણયની પરિણામલક્ષી અમલવારી કરવાના બદલે ટ્રેનો નું સમયપત્રક બદલી ટ્રેનો બંધ કરવાનો નિર્ણય તાલાલા પંથક સહિત 10 તાલુકાની ગરીબ ગ્રામીણ પ્રજાના અધિકાર ઉપર તરાપ મારી પરિવહન સેવા ઝુંટવી લેવા બરાબર હોય ગરીબ અને પછાત પ્રજાના હિત માટે આ નિર્ણય તુરંત રદ કરવા તાલાલા પંથકના સર્વપક્ષીય અગ્રણીઓએ આવેદનપત્રમાં માંગણી કરી છે.આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ડી.બી સોલંકી,રાજુભાઈ વ્યાસ સુલતાન પટેલ,ઈબ્રાહીમભાઇ નારેજા,મહેશભાઈ મહેતા,રમેશભાઈ કાથડ વિગેરે સર્વપક્ષીય અગ્રણીઓ જોડાયા હતા.
વેરાવળ થી ચલાલા સુધી ટ્રેનો શરૂ કરો
તાજેતરમાં વેરાવળ-અમરેલી તથા જુનાગઢ-અમરેલી વચ્ચેની બંધ કરેલ ટ્રેનો ચલાલા સુધી શરૂ કરવા ધારાસભ્યો તથા સંસદ સભ્યો એ રેલવે સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી હતી જેના અંતર્ગત બંધ કરેલ ટ્રેનો ચલાલા સુધી શરૂ કરવા રેલવે અધિકારીઓએ ખાત્રી આપી હતી.આ ખાત્રીની તુરંત અમલવારી કરવા પણ તાલાલા વિસ્તારના સર્વપક્ષીય અગ્રણીઓ માંગણી કરી છે..
