‘મનરેગા’નું અસ્તિત્વ ખતમ કરવાના વિરોધમાં કોડીનાર કોંગ્રેસ મેદાને

મામલતદારને આવેદન પાઠવી કરાઈ રજૂઆત

કેન્દ્ર સરકાર દ્વારા ‘મનરેગા’ કાયદાને નાબૂદ કરી તેના સ્થાને લાવવામાં આવેલા નવા ‘વિકસિત ભારત ગ્રામ-જી’ કાયદાનો કોડીનાર તાલુકા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આજે કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંબોધન કરતું એક વિસ્તૃત આવેદનપત્ર મામલતદાર શ્રી ને આપ્યું હતું અને માંગણી કરી હતી કે આ નવા કાયદાને તાત્કાલિક પરત ખેંચવાની અને મનરેગાના મૂળ સ્વરૂપને પુન:સ્થાપિત કરવામાં આવે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીજીનું નામ હટાવવું એ માત્ર નામનો ફેરફાર નથી, પરંતુ ગાંધીજીની ગ્રામોત્થાનની વિચારધારાનું અપમાન છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકાર માત્ર નામ બદલીને લોકોનું ધ્યાન ભટકાવવા માંગે છે. મનરેગા એ ગ્રામીણ અર્થતંત્રનો આધારસ્તંભ છે, જેણે કરોડો પરિવારોને સ્થળાંતર કરતા બચાવ્યા છે.
કોંગ્રેસના આગેવાનોએ નવા ‘વિકસિત ભારત ગ્રામ-જી’ કાયદાને ‘વિનાશ ભારત’ અને ‘વિકેન્દ્રીકરણની ગેરંટી’ ગણાવતા નીચેના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો નવા કાયદા હેઠળ કેન્દ્રનો હિસ્સો ઘટાડીને 60:40નો ફંડિંગ રેશિયો નક્કી કરાયો છે, જે બંધારણના અનુચ્છેદ-258નું ઉલ્લંઘન છે અને ગુજરાત જેવા રાજ્યો પર આર્થિક ભાર વધારશે. મનરેગામાં રોજગાર એ મજૂરોનો ‘અધિકાર’ હતો, જ્યારે નવા કાયદામાં તે સરકારની ‘મરજી’ પર નિર્ભર બની જશે. ગ્રામ સભા અને પંચાયતોની સત્તા છીનવીને તમામ નિર્ણયો દિલ્હીથી લેવામાં આવશે, જેનાથી પંચાયતો માત્ર ક્લાર્ક બની રહેશે.ખેતીની પીક સીઝનમાં 60 દિવસ કામ નહીં આપવાની જોગવાઈથી શ્રમિકોની આજીવિકા જોખમાશે. ટેકનોલોજીના નામે બાયોમેટ્રિક્સ દાખલ કરી અશિક્ષિત મજૂરોને કામથી વંચિત રાખવાનું આ કાવતરું હોવાનો પણ આરોપ લગાવ્યો છે. કોડીનાર તાલુકા કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે મનરેગા એ કોઈ દાન નથી પણ ગરીબોનો બંધારણીય અધિકાર છે. જો આ કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો શ્રમિકો અને ગ્રામીણ જનતાના ન્યાય માટે ખંભેખંભો મિલાવી ઉગ્ર લડત આપવામાં આવશે. આ આવેદન પત્ર આપતી વખતે કોડીનાર તાલુકા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ