ગણેશ હેગડેને ‘શોધવિભૂષણમ્’ શ્રેષ્ઠ પી એચ. ડી. મહાશોધપ્રબંધ પુરસ્કાર-2026 અને સ્વ. મણીશંકર જીવણરામ પંડ્યા: હરિપ્રસાદ યાદવરાય બોબડેને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2026 પુરસ્કાર એનાયત: 25 ગોલ્ડ મેડલ અને 06 સિલ્વર મેડલ સાથે 902 વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર અર્પણ
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18 મો પદવીદાન સમારોહ રાજેન્દ્રભુવન રોડ પર આવેલા યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો.
આધુનિક પેઢીમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને સંસ્કારોનું સિંચન કરી રહેલી ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જ્યારે ભોગવાદ અને ભોગ માટે ઉપલબ્ધ વસ્તુઓના સંશોધનમાં પડેલો છે. ત્યારે ભારતીય આધ્યાત્મ અને જ્ઞાને આત્મા અને તેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ વર્ષો પહેલા બતાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, આપણા વેદ-ઉપનિષદમાંથી ઉત્તમ જીવનદર્શન પ્રાપ્ત થાય છે. તેવું ક્યાંય નથી. ભોગવાદ એ સાધન છે, સાદ્ય નથી, એ રસ્તો છે, પરંતુ મંજીલ નથી. એ સીડી છે, પરંતુ ઉદ્દેશ્ય પ્રાપ્તિ નથી. તેવું જ્ઞાન ભારતે પોતાના જ્ઞાન વારસાથી વિશ્વને દર્શાવ્યું છે. વિશ્વએ માત્ર ભૌતિકવાદ શીખવ્યો જ્યારે ભારતે આધ્યાત્મવાદ તરફનું ચિંતન શીખવ્યું છે. સંસ્કૃતના જ્ઞાનની વહેંચણીથી પુણ્ય મેળવી શકાય છે. તેમ જણાવી તેમણે કહ્યું કે, ભારત એ ઈંટ-પત્થરનો દેશ નથી પરંતુ, આધ્યાત્મ, ચિંતન અને એક વિચારનો દેશ છે. જેનું જ્ઞાન વેદથી લઈને શાસ્ત્રની અંદર સમાવિષ્ટ છે. આ તારૂં છે, આ મારૂં છે, એ ભોગવાદની વિચારસરણી છે. જ્યારે ભારતે ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના દ્વારા સમગ્ર વિશ્વ મારો પરિવાર છે અને હું વિશ્વનો છું, એવી ભાવના જગતને આપી છે. ’સર્વે ભવન્તુ સુખિન:’ એટલે કે સમગ્ર જગતનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વ નિરોગી રહે અને કોઈ વિશ્વમાં દુ:ખિયારૂ ન રહે એવી સર્વકલ્યાણની આપણી ભાવના છે. આવું ચિંતન માત્ર ભારતના પુરાતન જ્ઞાનમાં જ પ્રાપ્ય છે. આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને 25 સુવર્ણ પદક અને 06 રજત પદક મળી કુલ 31 જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી 18મા પદવીદાન સમારોહમાં 363 (બી.એ.) શાસ્ત્રી, 20 (બી.એ.બી.એડ.) શાસ્ત્રી-શિક્ષાશાસ્ત્રી, 246 (એમ.એ.) આચાર્ય, 208 પી.જી.ડી.સી.એ., 54 (બી.એડ.) શિક્ષાશાસ્ત્રી અને 11 (પીએચ.ડી.) વિદ્યાવારિધિ એમ કુલ 902 ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતાં.આ સાથે વિશેષમાં ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢ તથા સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત નાં સંસ્કૃત વિદ્વાન હરિપ્રસાદ યાદવરાય બોબડેને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2026 પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. તદુપરાંત, છાત્રોત્કર્ષ વર્ષ 2025-26 અંતર્ગત શોધાર્થી ગણેશ હેગડેને ‘શોધવિભૂષણમ્’ શ્રેષ્ઠ પીએચ.ડી. મહાશોધપ્રબંધ પુરસ્કાર-2026 અને સ્વ. મણીશંકર જીવણરામ પંડ્યા પુરસ્કાર રાશિ આપવામાં આવી હતી.
આ અવસરે રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ડો.ખગેન્દ્ર પાત્ર દ્વારા સંપાદિત ગૌરકૃષ્ણોદયમ્, પ્રો.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી દ્વારા સંપાદિત ન્યાયદર્શન કે સિદ્ધાન્ત એવં લોકધર્મ, ડો.હરીશ કુમાર દ્વારા સંપાદિત ’ભારતીય જ્ઞાન પરંપરા મેં વૈદિક યજ્ઞ ચિકિત્સા’ એમ ત્રણ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, દિલ્હીની લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.મુરલી મનોહર પાઠક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ઉત્પલ જોશી, જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, અગ્રણી સંજયભાઈ પરમાર, કુલસચિવ ડો.મહેશકુમાર મેતરા તેમજ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સીલના સભ્યો, સંલગ્ન મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યો-સાધુસંતો સહિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
