રેલવેના પ્રાણ પ્રશ્ર્ને મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા સાંસદને આવેદન: ઉકેલની ખાતરી અપાઈ
અમરેલીના લાઠી રોડ પર ઓવર બ્રિજનું કામ શરુ કરવા ઉપર ખાસ ભાર મુકાયો
અમરેલી ખાતે છેલ્લા ઘણાં જ સમયથી બ્રોડગેજની કામગીરી ચાલી રહી છે. અને હવે તે કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેને લઈ કામગીરી પૂરી થાય તે પછી તુરંત અમરેલીને નવી ટ્રેનો ફાળવવામાં આવે તે માટે રેલ્વે વિભાગ પાસે જરુરી ટ્રેનોની મંજૂરીની મેળવવાની પ્રક્રિયા અગાઉથી જ શરુ થઈ જાય તે માટે તથા અમરેલી શહેરમાં આવેલ લાઠી રોડ પર આવેલ રેલ્વે ફાટક ઉપર લાંબા સમયથી રેલવેનો ઓવર બ્રિજ મંજૂર થયો છે. કામગીરી પણ શરુ થતી જ નથી, તે તાત્કાલીક શરુ કરવા સહિતના મુદે આજે મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા અમરેલીના સાંસદને આવેદનપત્ર પાઠવીને રજૂઆત જોરદાર રજુઆત કરવામાં આવી છે.
અમરેલી મિશન બ્રોડગેજ સમિતિ દ્વારા સાંસદ ભરત સુતરીયાને આવેદનપત્ર પાઠવીને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અમરેલીમાં બ્રોડગેજની કામગીરી આગામી થોડા સમયમાં પૂરી થવામાં છે. અને આ ચાલું વર્ષમાં જ અમરેલીથી ખીજડીયા સુધીની બ્રોડગેજ રેલ્વે લાઈન ચાલુ કરી શકાય તેમ છે. પણ હજુ સુધી અમરેલીમાંથી ક્યા ક્યા શહેરો માટે ટ્રેન ચાલુ થશે. તેની કોઈ જ જાહેરાત કરવામાં નથી.અમરેલીથી અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી અને હરિદ્વાર માટે લાંબા રૂટની ટ્રેન શરૂ કરવાં સૌથી વધારે માંગ ઉભી થવા પામેલ છે. જેથી આ મુદ્દે અમરેલીના સાસંદ રેલ્વે વિભાગમાં તાત્કાલીક રજૂઆત કરી અને અમરેલીના બ્રોડગેજ માટે લાંબા અંતરની ટ્રેનો મંજુર કરાવવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે.અમરેલી શહેરમાં હાલમાં ચાલતી અંડર બ્રિઝની કામગીરી મોટા ભાગની પૂરી થવામાં છે. પરંતુ અમરેલીના લાઠી રોડરેલ્વે ફાટક ઉપર મંજૂર થયેલા ઓવર બ્રિજની કામગીરી હજુ પણ અધરતાલ છે. આ કામગીરી શરૂ કરવામાં આવી જ નથી. આ ઓવરબ્રિઝની કામગીરી તાત્કાલીક શરુ થાય અને સમયસર પૂરી થાય તે માટે પણ આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાંથી લોકો રાત્રે અમદાવાદ જઈ શકે અને અમદાવાદથી પરત આવી શકે તે રીતે રાત્રીની એક પણ ટ્રેન નથી. અથવા અમરેલીથી સવારે અમદાવાદ જઈ શકાય અને ત્યાંથી રાત્રે બેસીને સવારે અમરેલી આવી શકાય તે રીતે અમદાવાદની ટ્રેનો શરુ કરવાની માગણી કરાઈ છે.
આગામી માર્ચ સુધીમાં કામ પૂર્ણ થઈ જશે : સાંસદ
આ મુદ્દે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ હકારાત્મક પ્રતિસાદ આપતા કહ્યું કે આગામી રેલવે અધિકારીઓની મીટીંગમાં કે દિલ્હી જવાનું થાય ત્યારે અમરેલી માટે જે જે ટ્રેનની માગણીઓ છે. તે તાત્કાલીક મંજૂર કરવા માટે માંગણી કરવામાં આવશે. અમરેલીમાં માર્ચ સુધીમાં બ્રોડગેજનું કામ પૂરું કરવા રેલ્વે તત્પર છે પણ થોડું મોડું પણ થઈ શકે છે. અન્ય મુદ્દાઓ બાબતે પણ યોગ્ય રજૂઆત રેલવે સુધી પહોચાડવા માટેની ખાતરી આપી હતી.હાલ અમરેલી જિલ્લાના કુંકાવાવ, ચિત્તલ, લાઠી સહિતના વિસ્તારમાંથી બ્રોડગેજ રેલ્વે લાઇન પસાર થાય છે. આ ઢસા જેતલસર બ્રોડગેજ ટ્રેક બન્યાને ઘણો સમય થઈ ગયો છે. પણ હજુ સુધી સુરત, અમદાવાદ મુંબઈ સહિતનાં લાંબા રૂટની એકપણ ટ્રેન શરુ કરવામાં આવી નથી. આ રેલ્વે લાઇનમાં સુરત, અમદાવાદ, મુંબઈની લાંબાં અંતરની ટ્રેન આપવા માગણી કરવામાં આવી છે.
