વેરાવળમાં પ્રાથમિક સુવિધા બાબતે કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે વિરોધ કરાયો

ધારાસભ્ય, કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો: આંદોલનની ચીમકી

વેરાવળ શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી નાગરિક સમસ્યા સામે આજે અસંતોષ જોવા મળ્યો હતો. નગરપાલિકા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય તથા શહેર કોંગ્રેસ સમિતિ સહીતના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના બિસ્માર રોડ-રસ્તા, ગંદકી, ડ્રેનેજ, પીવાના પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવ ને લઈને કોંગ્રેસના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ કર્યું હતું અને તેમની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો અને નાગરિકોએ રેલી કાઢી નગરપાલિકા કચેરી સુધી પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા 631 જેટલા નાગરિકો દ્વારા કરેલી ફરિયાદના પોટલાં નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ ફરિયાદોમાં મુખ્યત્વે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાવાળા રોડ, નિયમિત સફાઈ નો અભાવ, કચરાના ઢગલા, ઉભરાતી ગટરો, પીવાના પાણીની અનિયમિતતા અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓના અભાવ નો ઉલ્લેખ હતો.
આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ જણાવેલ કે, વેરાવળના નાગરિકો નિયમિત રીતે ટેક્સ ભરે છે. છતાં તેમના મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડી રહેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નકકર ઉકેલ આવ્યો નથી. નગર પાલિકા તંત્રની બેદરકારી હવે સહનશકિત બહાર છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો નગરપાલિકા દ્વારા વહેલી તકે તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે, તો આ મુદ્દો આગામી સમયમાં વિધાનસભા ના ગૃહમાં ઉઠાવવામાં આવશે અને સરકારનું ધ્યાન દોરવામાં આવશે તેમ જણાવેલ હતું.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીએ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર સ્વીકારી તેમણે જણાવ્યું કે, નગરપાલિકાને મળેલ તમામ રજૂઆતો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે વેરાવળ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાગરિક સુવિધાઓને લઇને અસંતોષનો માહોલ છે. આજે થયેલા કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન એ સ્પષ્ટ સંકેત આપે છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.

રિલેટેડ ન્યૂઝ