7 માસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલ વૃઘ્ધાના કેસનો ભેદ ઉકેલાયો
કેશોદ તાલુકાના ખમીદાણા ગામેથી સાત માસ પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલ વૃધ્ધાના વણશોધાયેલ કેસમાં ખૂન, લૂંટ તથા બળાત્કાર કરવાની કોશીષનો ભેદ જુનાગઢ રેન્જ પોલીસ એ ખૂબ જ બારીકાઇ ભરી તપાસ કરી ઉકેલી નાખ્યો છે, તથા સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોને પણ બાજુએ મૂકી દે તેવી ઘટનાને અંજામ આપનાર શખ્સને જુનાગઢ રેન્જ પોલીસે પકડી પાડ્યો છે,
કેશોદ તાલુકાના ખમીદાણા ગામના 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેભાઇ બારૈયા ગત તા. 7/6/2025 ના રોજ પોતાના ગામના સરકારી દવાખાના પાસેથી ગુમ થયેલ હતા. જેની પરિવાર તથા ગ્રામજનોએ શોધખોળ કરી હતી પરંતુ વૃદ્ધા ન મળી આવતા અંતે કેશોદ પોલીસ સ્ટેશનમાં નંબર 9/2025 થી ગુમ/જાણવાજોગ દાખલ થયેલ હતી.
જુનાગઢ રેન્જ પોલીસ માંથી પ્રાપ્ત પોઇન્ટ ટુ પોઇન્ટ વિગતો મુજબ, જુનાગઢ રેન્જ ક્રાઇમ ટેબલ-1ના પોલીસ પોલીસ ઇન્સપેકટર સી.વી.નાયકના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. સી.એમ.ચાવડા તથા સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જના પો.સ.ઇ. બી. ડી. માવદીયા, પો.સ.ઇ. ડી. બી. ખેર, પો.સ.ઇ. જી. કે. ઠાકર તથા ક્રાઇમ ટેબલ-1ના પોલીસ સ્ટાફ દ્વારા વણશોધાયેલ રહેલ ગુનાઓ શોધવા પ્રયત્નશીલ બન્યા હતા. અને કેશોદના ખમીદાણા ગામેથી ગુમ થનાર વૃદ્ધા સુમરીબેનને શોધવા તમામ સગા-વ્હાલાઓ, ખમીદાણા તથા આજુ-બાજુના ગામડાઓમાંથી અલગ-અલગ કુલ 450 લોકોની વિગતવાર પુછપરછ કરેલ હતી
આ સાથે ખમીદાણા તથા આજુ-બાજુના ગામની અવાવરૂ જગ્યાઓની તથા કેશોદ તાલુકા વિસ્તારના ધર્મશાળા, આશ્રમો, મંદિરો, ધાર્મિક જગ્યાઓ વિગેરેમાં પણ તપાસ કરવાની સાથે ગુમ થયેલ વૃધ્ધા પાસે રહેલ દાગીના હોય જેથી કેશોદ તાલુકા વિસ્તારના આજુબાજુના સોની વેપારીઓની તેમજ કેશોદ, માંગરોળ તથા શીલ પોલીસ સ્ટેશન વિસ્તારના હીસ્ટ્રીશીટર તથા રીઢા ગુન્હેગારોની પુછપરછ કરવામાં આવેલ હતી.
દરમિયાન ક્રાઇમ ટેબલ-1 જુનાગઢ રેન્જના પો.સ.ઇ. સી.એમ. ચાવડા તથા ટીમના એ.એસ.આઇ. ગીરૂભા વાઘેલા, પોલીસ હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા તથા પોલીસ કોન્સ. પ્રવિણસિંહ મોરી વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા આ બનાવમાં વધુ શંકાસ્પદ લાગતા ઇસમો પૈકી ખમીદાણા ગામના મહેશ મુકેશભાઇ વ્યાસ (ઉ.વ.30) ની યુક્તિ-પ્રયક્તિથી ઉંડાણપૂર્વકની પાંચેક કલાકથી વધુ સમયની પુછપરછ દરમિયાન મહેશ ભાંગી પડયો હતો ગુન્હાની કબુલાત કરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી મહેશ મુકેશભાઇ વ્યાસ એ કરેલ કૃત્યની હકીકત આપી હતી કે, ગત તા.7/6/2025ના રોજ સુમરીબેન ઉર્ફે મણીબેન રામદેભાઇ બારૈયા પોતાના ગામના સરકારી દવાખાના ખાતે તેમના પતિ રામદેભાઇની સારવાર માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલ હતા. પરંતુ સરકારી દવાખાનુ બંધ હોવાથી પરત પોતાના ઘરે જતા હોય અને રસ્તામાં સરકારી દવાખાનાથી થોડે દુર આરોપીનુ ઘર આવેલ હોય તથા આરોપી અગાઉથી વૃદ્ધાને સારી રીતે ઓળખતો હોય અને તેને ખ્યાલ હોય કે, વૃદ્ધા પોતાના દાગીના થેલીમાં સાથે જ રાખે છે. જેથી આરોપી ઘરે એકલો હોય અને આરોપીના ઘર પાસે વૃદ્ધા પહોચતા આરોપી મહેશએ સૌપ્રથમ તેને પાણી પીવાના બહાને પોતાના ઘરે બોલાવી, વૃદ્ધા રૂમમાં પ્રવેશતા જ આરોપી મહેશે પાછળથી વૃદ્ધાના મોઢા ઉપર હાથથી ડુમો દઇ, સોફા ઉપર પાડી દઇ, વૃદ્ધાએ ઓઢેલ ઓઢણાથી જ ગળાટુપો આપી મોત નિપજાવેલ હતું.
બાદમા આરોપીની દાનત બગડતા વૃદ્ધાની લાશ સાથે દુષ્કર્મની કોશીષ કરેલ હતી અને ત્યારબાદ પ્લાસ્ટીકના એક કોથળામાં વૃદ્ધાની લાશને નાખી કોથળાને દોરીથી બાંધી દીધેલ. જ્યારે વૃદ્ધાની થેલીમાંથી મળેલ સોનાના દાગીના આરોપીએ પોતાના ઘરમાં સંતાળી દીધેલ હતા અને અન્ય ચીજવસ્તુઓ થેલીમાં જેમની તેમ રાખી તે થેલી બીજા એક પ્લાસ્ટીકના કોથળામાં કે જેમાં નાળીયેર ભરેલ હતા તેની સાથે ભરી, વૃદ્ધાની લાશનો કોથળો તથા વૃદ્ધની અન્ય ચીજવસ્તુ અને નારિયલ ભરેલ કોથળો એ રીતેના બંને કોથળા વારાફરતી પોતાના મોટર સાયકલ ઉપર બાંધી ગામથી થોડે દુર આવવરૂ જગ્યામાં આવેલ એક કુવામાં ફેંકી દીધેલ હતી.
આરોપીની કબુલાત બાદ ક્રાઇમ ટેબલ-1 જુનાગઢ રેન્જના પો.ઇન્સ સી. વી. નાયક અને કેશોદ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી. એ. જાદવ તથા જુનાગઢ રેન્જ કચેરી પોલીસ સ્ટાફ અને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કુવામાં શોધ-ખોળ હાથ ધરતા આરોપીએ નાખેલ થેલીમાંથી વૃદ્ધાની ચીજવસ્તુઓ મળી આવેલ હતી. પરંતુ વૃદ્ધાની લાશ કે કંકાલ મળ્યા ના હતા.
બાદમા ગ્રામજનો દ્વારા કુવો નદી કાંઠે હોય અને ચોમાસામાં નદીમાં પુર આવવાથી કુવો છલકાઇ ગયેલ હોવાનું જાણવા મળતા જુનાગઢ રેન્જ પોલીસ ટીમ તથા કેશોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગ્રામજનોને સાથે રાખી, આ કુવાની આસપાસના અવાવરૂ વિસ્તારમાં તપાસ કરતા કુવાથી આશરે 100 મીટર દુર એક બાવળના જાળી જાખરા માંથી વૃદ્ધાની લાશ જે કોથળામાં બાંધીને ફેકી દીધેલ હતી તે કોથળા સાથે વૃદ્ધાનું કંકાલ મળી આવેલ હતા.
આ ગુનો અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી મહેશ મુકેશભાઇ વ્યાસ (ઉ.વ.30 રહે.ખમીદાણા તા.કેશોદ જિ.જુનાગઢ) સામે બી.એન.એસ. કલમ-103(1), 309(4), 62, 238(એ) વિગેરે મુજબનો ગુનો દાખલ કરી, આગળની તપાસ કેશોદ પો.સ્ટે.ના પો.ઇન્સ. પી. એ. જાદવ કરી રહ્યા છે.
