જૂનાગઢની ડિસ્ટ્રીકટ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી ત્રણ કલાક ઝીણવટ ભર્યુ સર્ચ ઓપરેશન હાથ ધરાયું

જુનાગઢ એ, બી, સી ડિવિઝન પોલીસના અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસ.ઓ.જી. ટીમે તપાસ હાથ ધરી પણ કંઈ ના મળ્યું

જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને આજે બપોરના 02:10 કલાકે ત્રણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ મળતા, કોર્ટ પરિસરમાં ભયનો માહોલ ફેલાયો હતો, તો બીજી બાજુ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.
જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજે 2:10 કલાકે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે તેવો કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો હતો, જે મેલ મળતા જ પોલીસ વિભાગને કોર્ટના અધિકારીઓએ તુરંત જાણ કરતા, પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસ.ઓ.જી. ટીમ તથા પોલીસ કાફલો ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પહોંચ્યો હતો અને તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોર્ડન કરી, વકીલો અને અરજદારોને સુરક્ષિત રીતે કોર્ટ માંથી બહાર કાઢી, સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
કોર્ટ પરિસરમાં એસ.ઓ.જી., બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કેવોડ દ્વારા અંદાજે ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, બીજી બાજુ જુનાગઢના ધારાશાસ્ત્રીઓ, અરજદારો અને કોર્ટ કર્મીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો, જો કે, ત્રણ કલાકના ઝીણવટ ભર્યા સર્ચ ઓપરેશન બાદ, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, કે કોઈ અઘટિત ઘટના ના બનતા સૌ કોઈએ નિરાંતનો શ્વાસ લીધો હતો.
આ અંગે જૂનાગઢના વિભાગીય ડી.વાય.એસ.પી. હિતેશ ધાંધલીયાના જણાવ્યા મુજબ, કોર્ટમાં ત્રણ બોમ્બ છે અને 2:10 વાગ્યે બ્લાસ્ટ થવાનું જૂનાગઢ ડીસ્ટ્રિક્ટ કોર્ટમાં આવેલા એક ધમકીભર્યો મેલમાં લખ્યું હતું. જેની જાણ કોર્ટના રજીસ્ટ્રાર મારફતે પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમને કરવામાં આવતાની સાથે જ જુનાગઢ એ, બી, સી ડિવિઝન પોલીસના પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસ.ઓ.જી. ટીમ તથા પોલીસ કાફલો તથા ફાયર બ્રિગેડ તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પહોંચ્યો હતો. તે સાથે જ સાવચેતીના ભાગરૂપે પોલીસે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફને તાબડતોબ સુરક્ષિત સ્થળે.ખસેડી લેવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટના તમામ આવવા જવાના રસ્તાઓ સીલ કરી દઈને સુરક્ષા કોર્ડન ગોઠવી કરી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસ.ઓ.જી. ટીમ દ્વારા કોર્ટના સમગ્ર પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશન અંદાજે ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. પરંતુ તપાસ દરમિયાન કોઈ પ્રકારની કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. દરમિયાન આ મેલ કરનાર શખ્સ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈ.ટી. એક્ટ મુજબ ગુનો દાખલ કરી, આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જૂનાગઢના વિભાગીય ડી.વાય.એસ.પી. હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ