જન આરોગ્ય સામે જોખમ ઉભું થયું: ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી ગંદકી દૂર કરવા માંગણી કરી
તાલાલા તાલુકાનાં રમળેચી ગીર ગામના પ્લોટ વિસ્તાર પાસેના વાગળીયા વોંકળા નજીક આવેલ દૂધ પીલાણ કેન્દ્રમાંથી છેલ્લા ઘણાં સમયથી ગંદા પાણીનો નિકાલ થવાને કારણે વોંકળામાં ગંદા પાણી ભરાયાં છે…દુર્ગંધ મારતાં ગંદા પાણીના કારણે પ્લોટ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અવિરત વધતા આ વિસ્તારના રહીશો ત્રાહીમામ થઈ ગયા છે.વોંકળાના ગંદા પાણીને કારણે જન આરોગ્ય સામે પણ ગંભીર જોખમ ઉભું થવાની ભીતી હોય લાગતાં વળગતા સત્તાવાળાઓ તુરંત ઘટતું કરે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.રમળેચી ગીર ગામના પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોએ ગ્રામ પંચાયતને આપેલ આવેદનપત્રમાં જણાવેલ વિગત પ્રમાણે ગામના પ્લોટ વિસ્તાર નજીક વાગળીયા વોંકળા પાસે દુધ પીલાણ કેન્દ્ર આવેલ છે.દુધ ડેરી દ્રારા દૂધનું ગંદુ પાણી,ગંદો કચરો વાગળીયા નાં વોંકળામાં છોડવામાં આવે છે જેથી વોંકળામાં ઠેર ઠેર ગંદા પાણીના ખાડા ભરાઈ ગયા છે જેને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ મચ્છરોનો ઉપદ્રવ અવિરત વધતો હોય નાના બાળકો,વૃદ્ધો નાં સ્વાસ્થ્ય ઉપર ગંભીર જોખમ ઉભું થયું છે.મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ,ચિકનગુનિયા તેમજ મેલેરિયા ફેલાવાની ભિતી ઉભી થઈ હોય દુધ પીલાણ કેન્દ્ર નું દુર્ગંધ મારતું પાણી વોંકળામાં જતું તુરંત અટકાવવું જોઇએ…આવેદનપત્રમાં ઉમેર્યું છે કે દૂધ પીલાણ કેન્દ્ર દ્વારા થતી ગંદકી બંધ કરવા ડેરીના સંચાલકોને વારંવાર રજૂઆતો કરવા છતાં પરીસ્થિતિ યથાવત હોય આખાં વિસ્તારમાં દુષિત વાતાવરણ પ્રસરી ગયું છે.આ ગંભીર સમસ્યાનું તુરંત નિવારણ લાવી ગામના પ્લોટ વિસ્તારના પરિવારો સામે ઉભો થયેલ આરોગ્યનો ખતરો દુર કરવા આવેદનપત્ર નાં અંતમાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત સમક્ષ માંગણી કરી છે.
