ગોંડલમાં પ્રેમમાં ઘર છોડવાની જિદે ચડેલી સગીરાનું અભયમ દ્વારા કાઉન્સેલીંગ

પિતાએ ઠપકો આપતા સગીરા ઘરેથી નીકળી ગઈ હતી, અભયમની સમજાવટ બાદ પોતાની ભૂલ સ્વીકારી

: ગોંડલ માં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમ સંબંધના કારણે એક 16 વર્ષની સગીરાએ ઘરેથી ભાગી જવાની અને મરવાની જિદ પકડી હતી. પરિવારજનોના અનેક પ્રયાસો છતાં દીકરી કોઈ વાત માનવા તૈયાર ન થતાં છેવટે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી. અભયમ ટીમના સમયસર અને સચોટ કાઉન્સેલિંગના કારણે સગીરાને સાચા રસ્તે વાળવામાં સફળતા મળી છે અને ચિંતિત પરિવારને મોટી રાહત મળી છે.પ્રાપ્ત માહિતી અનુસાર સગીરાને છેલ્લા પાંચ વર્ષથી એક યુવક સાથે પરિચય હતો. તે પોતાની માતાના મોબાઈલમાંથી યુટ્યુબ લાઈવ ચેટ અને ફોન કોલ્સ દ્વારા તે યુવક સાથે વાતચીત કરતી હતી. આ બાબતની જાણ પરિવારને થતાં તેમણે દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કોઈ પ્રતિસાદ આપતી નહોતી. આ દરમિયાન ગુસ્સામાં આવીને પિતાએ દીકરી પર હાથ ઉપાડતા સગીરા કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. જોકે, એકાદ કલાક પછી તે પરત આવી હતી, પરંતુ તેણે પરિવારને સ્પષ્ટ કહી દીધું હતું કે તેને હવે જીવવું નથી, ઘરે રહેવું નથી અને તે પોતાના બોયફ્રેન્ડ સાથે જઈને લગ્ન કરવા માંગે છે. દીકરીની આ જિદ સામે લાચાર બનેલા પરિવારે 181 હેલ્પલાઇનનો સંપર્ક કરતા કાઉન્સેલર મિતલ ખરા અને પાયલોટ વિશાલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક સગીરા સાથે વાતચીત કરી તેને કાયદાકીય રીતે સમજાવ્યું હતું કે હાલ તેની ઉંમર લગ્ન માટે યોગ્ય નથી અને બાળલગ્ન કાયદા મુજબ ગુનો બને છે. આ ઉપરાંત તેના ઉજ્જવળ ભવિષ્ય, શિક્ષણ અને સુરક્ષા વિશે પણ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું.અસરકારક કાઉન્સેલિંગને અંતે સગીરાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેણે પોતાના માતા-પિતાને ખાતરી આપી હતી કે હવે તે પેલા યુવકના સંપર્કમાં નહીં રહે, પોતાનો અભ્યાસ ચાલુ રાખશે, પરિવારને જાણ કર્યા વિના ક્યાંય બહાર નહીં જાય, ક્યારેય આત્મહત્યા જેવા ખોટા વિચારો નહીં કરે અને પુખ્ત વયની થયા બાદ જ લગ્ન અંગેનો યોગ્ય નિર્ણય લેશે. 181 અભયમ ટીમની આ કામગીરીએ એક સગીરાનું ભવિષ્ય બગડતું અટકાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ