ઉનાના ઉંટવાળા ગામની આંગણવાડીમાં નાસ્તા બાદ બાળકને ઉલ્ટી: તબીયત લથડી

કેળા-શીરો અપાયા બાદ તબિયત બગડી: 15થી વધુ બાળકોના નાસ્તાની ગુણવત્તા અંગે તપાસની માંગ

ઉના તાલુકાના ઉટવાળા ગામે આવેલી આંગણવાડી કેન્દ્રમાં બાળકને નાસ્તો અપાયા બાદ તબિયત લથડવા ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકની ઉલ્ટી માંથી જીવતી ઈયળ નીકળી હોવાનો તેના માતા-પિતા એઆક્ષેપકરતાં સમગ્ર ઘટનાને લઈનેનાસ્તાની ગુણવત્તા અનેસ્વચ્છતાઅંગે સવાલો ઉઠ્યા છે. બાળકને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, બાળક સવારે નાસ્તો કર્યા વિના આંગણવાડી કેન્દ્રમાં ગયું હતું. ત્યાં તેને કેળા અને શીરો નાસ્તામાં આપવામાં આવ્યો હતો. નાસ્તો કર્યા બાદ બાળક ઘરે પરત ફર્યું હતું. ઘરે પહોંચ્યા બાદ અચાનક તેને ઉલ્ટી થવા લાગી હતી. પરિવારના જણાવ્યા મુજબ, ઉલ્ટીમાં જીવતી ઈયળ જોવા મળી હતી.
ઘટનાની જાણ પરિવારજનોએ આંગણવાડી સંચાલક ને કરતાં પરિવારના જણાવ્યા મુજબ, સંચાલક દ્વારા ’આવું થયા કરે’ તેવો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકના માતા-પિતા સરપંચ પાસે પહોંચ્યા હતા. સરપંચની સલાહ બાદ બાળકને તાત્કાલિક સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં આંગણવાડીના સુપરવાઈઝર પણ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને બાળક ની તબિયત અંગે જાણકારી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રમાં 15થી વધુ બાળકો આવતા હોવાથી અન્ય બાળકો ને આપવામાં આવેલા નાસ્તાની પણ ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ કરવામાં આવે તેમજ જરૂરિયાત મુજબ બાળકોનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવે તેવી ગ્રામજનોમાંથી માંગ ઉઠી છે.

મુખ્ય સેવિકાએ શું કહ્યું?
આ અંગે આંગણવાડીની મુખસેવિકા તેજલબેન પંચોલીએ જણાવ્યું હતું કે, તમામ બાળકોને નિયત મુજબ એકસરખો નાસ્તો આપવામાં આવ્યો હતો અને અન્ય કોઈ બાળકને તકલીફ થઈ નથી. સંબંધિત બાળકની તબિયત આંગણવાડીમાં નહીં પરંતુ ઘરે ગયા બાદ બગડી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓ પોતે પણ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ડોક્ટર પાસેથી બાળકની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. હાલ બાળકની સ્થિતિ સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હોવાનું મુખસેવિકાએ કહ્યું હતું.
હાલ બાળક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને પગલે આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મારો પુત્ર ઘરે આવ્યો અને ઉલ્ટી શરૂ થઈ:: મનિષાબેન
બાળકની માતાબાળકની માતા મનિષાબેને જણાવ્યું હતું કે, આંગણવાડીમાં મારા બાળકને આજે નાસ્તામાં કેળા અને શીરો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળક ઘરે આવ્યું અને અચાનક ઉલ્ટીઓ થવા લાગી હતી. ઉલ્ટીમાં જીવતી ઈયળ જોવા મળી હતી. જેથી અમે બાળકને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા છીએ.

રિલેટેડ ન્યૂઝ