ઈકોની ઠોકરે લાંબા ગામની પરિણીતાનું મૃત્યું
કલ્યાણપુર નજીક બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પ્રૌઢનું મૃત્યું નીપજ્યું છે. જ્યારે ઈકોની ઠોકરે લાંબા ગામની પરિણીતાનું મોત નીપજ્યું છે.
કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા ભીખાભાઈ લગારીયા નામના આહીર પ્રૌઢ શનિવારે બપોરના સમયે કલ્યાણપુરથી ટંકારીયા ગામે તેમના જી.જે. 37 સી. 8096 નંબરના મોટરસાયકલ પર બેસીને રાણાભાઈ જાદવની સાથે આવી રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 7 કિલોમીટર દૂર રાવલ – ભાટીયા રોડ પર આવેલી સર્વોદય સ્કૂલની વાડીની બાજુમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ રાવલ ગામ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી. 4399 નંબરના એક બોલેરોના ચાલકે ગોલાઈ પાસે તેમને તેમના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
જેના કારણે ભીખાભાઈ લગારીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા બાઈક ચાલક રાણાભાઈને પણ ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પુત્ર ગોવિંદભાઈ ભીખાભાઈ લગારીયા (ઉ.વ. 25, રહે. ટંકારીયા) ની ફરિયાદ પરથી બોલેરોના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા પુરીબેન વેજાણંદભાઈ ગોજીયા નામના 28 વર્ષના આહિર મહિલાને તેમના ઘર પાસેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા ઈક્કો કારના ચાલકે પાછળથી અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ વેજાણંદભાઈ રણમલભાઈ ગોજીયા (ઉ.વ. 29, રહે. લાંબા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા ઈક્કો કાર ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ..એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.
બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ફોટ ગામે રહેતા હસમુખભાઈ ગોવિંદભાઈ જોશી નામના 47 વર્ષના યુવાન પોતાના મોટરસાયકલ પર લાલપરડા ગામથી જૂની ફોટ ગામે થઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં કોઈ કારણોસર તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રક્ષાબેન હસમુખભાઈ જોશીએ અહીંની પોલીસને કરી છે.
