જીલ્લામાં કુલ 5,352 નવા મતદારો ઉમેરાશે: નવા નામની નોંધણી માટે ફોર્મ નં.6 ભરવામાં જામનગર ગ્રામ્ય મોખરે
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર જામનગર જિલ્લામાં ’મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2026’ અંતર્ગત તા.3/1/2026 અને 4/1/2026ના રોજ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારોમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના જરૂરી ફોમ્ર્સ સબમિટ કર્યા હતા.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આ બે દિવસની ખાસ ઝુંબેશ દરમિયાન કુલ 9,725 ફોમ્ર્સ સ્વીકારવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ નવા મતદારોની નોંધણી અંગેના ફોર્મ મળ્યા છે. 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો અને અત્યાર સુધી નામ નોંધાવવાથી વંચિત રહી ગયેલા નાગરિકો દ્વારા ફોર્મ નં. 6 અંતર્ગત કુલ 5,352 અરજીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, મતદારયાદીમાં જરૂરી સુધારા-વધારા અને સરનામું બદલવા માટેના ફોર્મ નં. 8 અંતર્ગત 3894 અરજીઓ અને નામ કમી કરવા માટેના ફોર્મ નં. 7 અંતર્ગત 479 અરજીઓ ચૂંટણી તંત્રને મળી છે.
જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારોમાં થયેલી કામગીરી પર નજર કરીએ તો, જામનગર ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ 3,483 અરજીઓ સાથે નોંધપાત્ર કામગીરી થઈ છે. ત્યારબાદ જામનગર ઉત્તરમાં 1,912, જામજોધપુરમાં 1,444, કાલાવડમાં 1,508 અને જામનગર દક્ષિણમાં 1,378 અરજીઓ મળી છે. નવા નામની નોંધણી ફોર્મ-6માં પણ જામનગર ગ્રામ્ય 1,886 ફોર્મ સાથે જિલ્લામાં અગ્રેસર રહ્યું છે.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર ના માર્ગદર્શન હેઠળ દરેક મતદાન મથકો પર બી.એલ.ઓ. દ્વારા હાજર રહીને કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય એક પણ પાત્રતા ધરાવતો મતદાર નોંધણીથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો છે. વહીવટી તંત્ર દ્વારા હજુ પણ બાકી રહી ગયેલા નાગરિકોને ઓનલાઈન પોર્ટલ અથવા એપના માધ્યમથી તેમજ બી.એલ.ઓ.નો સંપર્ક કરી વહેલી તકે નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.
