તાલાલાના જાંબુર ગીર ગામે થયેલ ગૌ હત્યાના આરોપીને પકડી કડક સજા કરવા માંગ

ગીર સોમનાથ જિલ્લા વડા તથા તાલાલા મામલતદારને સર્વ સમાજે આવેદન આપ્યું

તાલાલા તાલુકાનાં માધુપુર ગીર-જાંબુર ગીર ગામ ખાતે ચાર દિવસ પહેલા ગૌહત્યા જેવી અત્યંત ગંભીર,ગેરકાયદેસર અને નિંદનીય ઘટના બનતા સર્વ સમાજ તથા ગૌભકતોમાં અરેરાટી પ્રસરી ગઈ છે.આ કથીત બનાવમાં સંડોવાયેલ નરાધમ લોકોને તુરંત પકડી પાડવાની માંગણી સાથે તાલાલા તાલુકા સર્વ સમાજે મામલતદાર તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપ્યું છે.માધુપુર ગીર ગામના સામાજીક યુવા અગ્રણી વિજયભાઈ હિરપરા ની આગેવાની હેઠળ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને માતા સમાન ગણવામાં આવે છે અને ગૌહત્યા અંગે કાયદામાં પણ કડક જોગવાઈઓ પણ કરવામાં આવેલ છે તેમ છતાં માધુપુર ગીર-જાંબુર ગીર ગામે વારંવાર આવાં બનાવો બનવાથી સર્વ સમાજમાં અસંતોષ,રોષ સાથે ગૌભકતોની લાગણી દુભાઈ છે.હાલ આ ઘટનાને લઇ તાલાલા પંથકના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.આ બનાવમાં સંડોવાયેલા તમાંમ આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમને ઝડપથી પકડી કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.ભવિષ્યમાં માધુપુર ગીર તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી ગૌહત્યા જેવા કથિત બનાવો બને નહીં તે માટે કડક પગલાં લેવા તેમજ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઉપર કડક નિયંત્રણ આવે માટે જરૂરી ઠોંસ કાર્યવાહી કરવા તાલાલા તાલુકા સર્વ સમાજે એકી અવાજે માંગણી કરી છે.આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમમાં વિવિધ ગામના અગ્રણીઓ,ગૌભકતો જોડાયા હતાં.

રિલેટેડ ન્યૂઝ