વિશ્ર્વ ક્ષય દિવસ નિમિત્તે મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂા.18 લાખના આધુનિક ‘ટ્રુનાટ’ મશીનનું લોકાર્પણ


મેંદરડા તાલુકાની 42 માંથી 29 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર કરાઈ ‘હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ’ના સંકલ્પ સાથે ઉજવણી

24 માર્ચ એટલે કે ’વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે ટીબી સામે જાગૃતિ ફેલાવવા અને વર્ષ 2026ના નિર્ધારિત લક્ષ્ય “હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ” ના સંકલ્પ સાથે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વનું સોપાન સર કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા લોકોની સુખાકારી અને ટીબીના સચોટ નિદાન માટે અંદાજે ₹18 લાખની કિંમતનું અત્યાધુનિક જીન એક્સપર્ટ (ટ્રુનાટ) મશીન મેંદરડા ઈઇંઈને ફાળવવામાં આવ્યું છે. જેની લોકાર્પણ વિધિ આજે મહાનુભાવો ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ મશીન દ્વારા હવે સ્થાનિક સ્તરે જ અત્યંત ઝડપી અને ચોકસાઈ પૂર્વક ટીબીનું નિદાન થઈ શકશે, જેનાથી દર્દીઓની સારવાર વહેલી તકે શરૂ કરી શકાશે.
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.પૂજાબેન પ્રિયદર્શની, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો.સુહાગ ભાલોડીયા, ડો.આયુષી, મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ જે.ડી. ખાવડુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકાના સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર દીપક બલદાણીયા, વિજય મારુ, આશિષ બદાણી અને હોસ્પિટલનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગૌરવ સાથે જાણકારી આપવામાં આવી હતી કે મેંદરડા તાલુકાની કુલ 42 ગ્રામ પંચાયતોમાંથી 29 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે. આ સફળતા આરોગ્ય વિભાગ અને ગ્રામજનો ના સહિયારા પ્રયાસોનું પરિણામ છે.
સીનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર દીપકભાઈ બલદાણીયાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, “ટીબીના રોગથી ગભરાવાની જરૂર નથી. જો પૂરા સમયની નિયમિત સારવાર લેવામાં આવે તો આ રોગ ચોક્કસપણે મટી શકે છે. ચાલો આપણે સૌ સાથે મળીને ’મારુ ગામ, ટીબી મુક્ત ગામ’ બનાવી ભારતને ટીબી મુક્ત બનાવવામાં સહયોગ આપીએ.”

રિલેટેડ ન્યૂઝ