ગડુ ગામે વૃદ્ધના ઘરમાં ઘૂસી રૂ. 8 લાખના દાગીનાની લુંટ ચલાવનારા 7 ઝબ્બે

આરોપીઓએ રાત્રે ધાડ પાડી વૃઘ્ધને ધમકી આપી હતી

માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે 4 ચોરે ભાંગતી રાતે 70 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી, વૃદ્ધને માર મારી ઘરના લોખંડના કબાટમાં રાખેલ રૂ. 8 લાખની કિંમતના 13 તોલા સોનાના દાગીનાની લુટ આચરનારા 7 આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા હાટીના તાલુકાના ગડુ ગામે શાંતીનગરમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ સતીશગીરી સેવાગીરી ગોસ્વામીનાં ઘરનાં ગ્રીલ વાળા મુખ્ય દરવાજાનું અંદરની બાજુનુ તાળુ તોડી, રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા ઇસમોએ મોઢા પર કપડું બાંધી ઘરમાં ગેર કાયદેશર પ્રવેશ કર્યો હતો, જે દરમિયાન વૃદ્ધ જાગી જતા, 3 ઈસમોએ પકડી રાખી, થપ્પડો મારી, જે સંતાડ્યો હોય અને જે હોય તે આપી દે તેમ કહી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરીયાદીના ઘરના રૂમના લોખંડનાં કબાટમાં રાખેલ રૂ. 8,06,000 ની કિંમતના અલગ અલગ 13 તોલા સોનાના દાગીનાની લુંટ કરી આરોપીઓ નાશી ગયા હતા.
જે અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં સતીશગીરી સેવાગીરી ગોસ્વામી એ ફરિયાદ નોંધાવતા, જુનાગઢ એસટી સુબોધન ઓડેદરા ની સૂચનાથી ઠક્કરના માર્ગદર્શન હેઠળ ચોરવાડ ઇ.ચા. પો.ઇન્સ. એમ.એન. કાતરીયા એ ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ ટીમો બનાવી, હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ આદરી સાત આરોપીઓને ગણતરીની કલાકમાં ઝડપી લઇ પૂછપરછ આદરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં પૂછપરછ દરમિયાન પકડાયેલ માળીયા હાટીના તાલુકાના પાતરા ગામનો આરોપી વસીમ ઓસમાણભાઈ કરમતી એ કબુલાત કરતા જણાવ્યું હોય કે, વૃદ્ધ એકલા રહેતા હતા અને તેની પાસે સોનાના દાગીના હોય જેથી પાંચ આરોપી સાથે કાવતરું ઘડી રેકી કરી લૂંટને અંજામ આપ્યો હતો.
13 તોલા સોનાના દાગીનાની લૂંટમાં પોલીસે ઝબ્બે કરેલા આરોપીઓ (1) મિલન વરજાંગભાઈ જોટવા (2) વસીમ ઓસમાણભાઈ કરમતી (રહે પાતરા તા. માળીયા હાટીના) (3) રાજ મગનભાઈ ચૌહાણ (રહે. વેરાવળ) (4) કાના લખમણભાઇ મેરોડા (રહે. વેરાવળ મફતીયાપરા) (5) અનિલ ઉર્ફે રાણો દમજીભાઈ સોલંકી (રહે. વેરાવળ) (6) કમલેશ ચંદુભાઈ પરમાર (રહે. વેરાવળ) (7) છગન બાબુભાઈ સોલંકી (રહે. વેરાવળ)

રિલેટેડ ન્યૂઝ