પોરબંદરમાં એસ.આઈ.આર.માં વાંધા અરજીના 8000થી વધુ ફોર્મ ભરવામાં આવતા મોટા કુંડાળાની આશંકા

સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા પારદર્શક કામગીરી કરવા થઈ માંગ: એસ.આઇ.આર.ની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવાની હરકત હોવાનું જણાવ્યું

એસ.આઇ.આર.ની કામગીરીમાં ફોર્મ નંબર સાતની વાંધા અરજીની એકી સાથે 8000 થી વધુ અરજીઓના ફોર્મ ભરવામાં આવ્યા છે,તેની સામે સુન્ની અંજુમને ઇસ્લામે પારદર્શક વહીવટ સાથે તપાસની માંગણી કરી છે. એસ.આઈ.આર.અંતર્ગત ફોર્મ નં. 7ની વાંધા અરજીની પ્રકિયામાં પારદર્શિતા લાવવા પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા રજુઆત કરવામાં આવી છે અને પોરબંદરમાં પણ ફોર્મ નં-7 ભરીને અમુક તત્વો દ્વારા એસ.આઈ.આર.ની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા હરકત કરી હોવાની ફરીયાદો મુસ્લિમ જમાતના આગેવાનો અને લોકો દ્વારા અંજુમનને મળતા હોદેદારોએ કલેકટરને લેખિત ફરીયાદ આપવામાં આવી છે અને પોરબંદર વિધાનસભામાં 8000 થી વધુ ફોર્મ નં-7 ભરવામાં આવતા મોટા કુંડાળાની આશંકા દર્શાવવામાં આવી છે. પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામના ઉપપ્રમુખ એડવોકેટ અકબરભાઈ સેલોત, સેક્રેટરી અશરફ યુસુફભાઇ પટેલ, ઓડિટર યાકુબભાઇ મુલ્લા, સામાજિક અગ્રણી ફારૂકભાઈ બઘાડ, ઇસ્માઇલખાન શેરવાનીએ કલેકટરને રૂબરૂ મળી કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, હાલમાં ચાલી રહેલ એસ.આઈ.આર.પ્રક્રિયા અંતર્ગત નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 દ્વારા જે વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે કે આવી હશે તેમાં ઘણી તથ્ય વગરની અરજીઓ દ્વારા મૂળ મતદારો હેરાન થઈ શકે છે. જ્યારે કોઈ વ્યકિત અન્યના નામ સામે વાંધો ઉઠાવે, ત્યારે જે તે મતદારને નોટિસ આપતા પહેલા પ્રથમ તબકકે ફરીયાદી પક્ષને નોટિસ ફટકારી તેની અરજીમાં રજુ કરેલા તથ્યો, પુરાવા અને આધારની સંપુર્ણ ખરાઈ કરવામાં આવે, ફરીયાદીને રૂબરૂ બોલાવવામાં આવે કે ફરીયાદી પાસે પુરતા પુરાવા છે કે કેમ? જો તપાસમાં સાબિત થાય કે ફરીયાદીએ પાયા વિહોણી, ખોટી અથવા રાજકીય દ્વેષભાવથી ફરીયાદ કરી છે, તો સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરવા બદલ તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ફોર્મ નંબર-7 અંતર્ગત નામ કમી કરાવવા અંગેની અરજીઓ માટે ફરીયાદી પક્ષનો વાંધો સાચો સાબિત થાય ત્યારબાદ જ વોટર આઈ.ડી. ધારકને નોટિસ પાઠવવામાં આવે, યોગ્ય ખરાઈ કર્યા વગર સીધી મતદારને નોટિસ પાઠવવાથી સામાન્ય નાગરીકોમાં ભય અને માનસિક કનડગત પેદા ન થવી જોઈએ, જે વ્યકિત પાસે માન્ય ફોટો ઓળખપત્ર છે, તેની સામેની ફરીયાદમાં પુરાવો આપવાની જવાબદારી ફરિયાદી પર હોવી જોઈએ. ખોટા આધાર વિહીન અને દુર ઉપયોગી અરજી કરનાર ફરિયાદી સામે કાયદેસરની કાર્યવાહી થાય, લોકશાહીના પાયા સમાન મતદાર યાદીની પવિત્રતા જાળવવા અને નાગરિકોના હિતમાં નિર્ણય કરવા વિનંતી છે. હાલમાં જ પોરબંદરના છાંયામાં અમારા ઘ્યાને ઘણા એવા કેસ આવેલ છે અને અમોએ તેઓની વાંધા લેનાર અરજદારની તપાસ કરતા અને તેમના મોબાઈલ નંબર ઉપર પુછતા તેઓએ જણાવેલ કે, અમોને આ જાતની કોઈ માહિતી નથી, અમોએ કોઈ સહી કરી નથી અને અમોને લખતા વાંચતા આવડતું નથી હું આછી પાતળી ગુજરાતીમાં સહી કરું છું જેથી જેણે વાંધા લીધા છે તે વિસાભાઈ શેરમા દ્વારા જે વાંધા લેવામાં આવેલ છે તે ફોર્મમાં ઈંગ્લીશમાં સહી કરવામાં આવેલ છે તેમજ વાંધા લેનારનો ચુંટણીકાર્ડ નંબર દર્શાવવામાં આવેલ છે તે ઓનલાઈન સર્ચ કરતા બતાવતું નથી જે વાંધા લેનારનું નામ પણ ટુંકું દર્શાવવામાં આવેલ છે તેમણે જણાવેલ છે કે અમોએ આવા કોઈ વાંધા લીધા નથી જેથી અમોને પુરી શંકા છે કે જેટલા વાંધા લેવામાં આવ્યા છે તે વાંધેદારને આ અંગેની કોઈ માહિતી નથી જેથી તેની સચોટ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ આપશ્રી દ્વારા નોંધવી જોઈએ. કારણ કે આ એક મોટું બંધારણીય અધિકાર જે આપણા ભારત દેશના બંધારણ દ્વારા જે મતાધિકાર મળેલ છે તેનાથી હજારો લોકોને દુર રાખવાનું ષડયંત્ર હોય જેથી જવાબદારો સામે તાત્કાલીક અસરથી ફરિયાદ નોંધવામાં આવે તેમજ તે અંગેના જરૂરી આધાર-પુરાવા રજુ રાખેલ છે. વિશેષમાં કોઈનું ખોટી રીતે કોઈ મતાધિકાર છીનવાઈ નહીં કારણ કે એસ.આઈ.આર. કામગીરી જે અત્યાર સુધી ચાલી રહી છે તે સારી રીતે ચાલી રહી છે અને જેનો ડ્રાફટ યાદીમાં નામ છે તે તમામના બી.એલ.ઓ. દ્વારા મહેનત કરીને તેમના ફોર્મ ભરાવેલ છે, જરૂર પડયે આધાર પુરાવા લીધેલ છે, ઘરે ઘરે જઈને બી.એલ.ઓ. દ્વારા કામગીરી કરવામાં આવેલ છે જેથી તેમાં કોઈ જ શંકા જ નથી જેથી વાંધા લેનારાઓ દ્વારા ખોટી રીતે આ કામગીરીને તંત્ર દ્વારા જે સમગ્ર ગુજરાતમાં સારી કામગીરી કરેલ છે તેને કારણ વગર દુષિત કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.તેમ પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામના ઉપપ્રમુખ એડવોકેટ અકબરભાઈ સેલોત, સેક્રેટરી અશરફ યુસુફભાઇ પટેલ, ઓડિટર યાકુબભાઇ મુલ્લા,સામાજિક અગ્રણી ફારૂકભાઈ બઘાડ, ઇસ્માઇલખાન શેરવાનીએ જણાવેલ હતું.જિલ્લા કલેકટરે આ બાબતે પોઝિટિવ વાતચીત કરી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ