શિવભક્તોની જાનહાની થાય તે પહેલા તંત્ર જાગે તેવી થઈ માંગ: પેરેડાઇઝ ફુવારા પાસે અમરેશ્ર્વર મહાદેવ મંદિર સામે જ જોખમી પોલ પડે તે પહેલા યોગ્ય કરવું જરૂરી
પોરબંદરના પેરેડાઇઝ ફુવારા પાસે અમરેશ્ર્વર મહાદેવ મંદિર સામે જ જોખમી વીજપોલ અકસ્માત સર્જે તેવો જણાતો હોવાથી વીજ તંત્ર યોગ્ય કરે તેવી માંગણી થઈ છે.
પોરબંદર શહેરમાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારીને કારણે નાગરિકોના જીવ પર જોખમ ઊભું થયું છે.આશા હોસ્પિટલની બાજુમાં આવેલ ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિર સામેના મુખ્ય માર્ગ પર ઉભેલો વીજ પોલ હાલ અત્યંત ઝૂકેલી અને નબળી સ્થિતિમાં છે, જેને કારણે કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વીજપોલ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે, છતાં સંબંધિત વિભાગ દ્વારા તેની મરામત કે બદલવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ રસ્તો શહેરનો વ્યસ્ત માર્ગ ગણાય છે,જ્યાં રોજિંદા મોટી સંખ્યામાં વાહનવ્યવહાર, રાહદારીઓ, દર્દીઓ અને હોસ્પિટલમાં આવતા-જતા લોકોની અવર-જવર રહે છે.ખાસ કરીને આશા હોસ્પિટલ નજીક હોવાને કારણે એમ્બ્યુલન્સ અને દર્દીઓની અવર-જવર સતત રહેતી હોય છે.આવી પરિસ્થિતિમાં જો વીજ પોલ પડી જાય તો ગંભીર જાનહાનિ થવાની શક્યતા નકારી શકાતી નથી.
નાગરિકોનો આક્ષેપ છે કે,અનેકવાર રજુઆતો કરવા છતાં પી.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી નથી.તંત્રની આ ઉદાસીનતા અને બેદરકારીથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.જાહેર સુરક્ષાથી જોડાયેલી આવી સમસ્યાઓમાં તાત્કાલિક પગલાં લેવાની જરૂર હોવા છતાં વિલંબ કરવામાં આવી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ પી.જી.વી.સી.એલ. અધિકારીઓને વિનંતી કરી છે કે,તાત્કાલિક સ્થળ પર તપાસ કરી જોખમી બનેલા વીજ પોલને મજબુત બનાવવો અથવા નવો પોલ સ્થાપિત કરવો જોઈએ.કોઈ દુર્ઘટના બને તેના પહેલા જ જવાબદાર તંત્ર સતર્ક બને અને યોગ્ય કાર્યવાહી કરે, તેવી લોકમાંગ ઉઠી રહી છે.જાહેર હિત અને નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપીને પી.જી.વી.સી.એલ. તંત્ર ત્વરિત કામગીરી કરે તેવી સર્વસામાન્ય માંગ છે.
