એસ.પી.એ બેઠક યોજીને આપી જાણકારી: સોશ્યલ મીડિયા પર મોનીટરીંગ રાખવા સહિત નવ જેટલી ચેકપોસ્ટ થઇ શરૂ: અનૈતિક પ્રવૃત્તિઓને ડામવા સુવ્યવસ્થિત આયોજન થયાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યુ
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ ગાજી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં ચૂંટણી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોલીસ અધિક્ષકની કચેરી ખાતેના ક્રાઇમ કોન્ફરન્સ હોલમાં જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી -2026 દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા સારુ તથા ચૂંટણી શાંતિમય અને ભયમુકત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીલક્ષી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાંં જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા દ્વારા વિવિધ મુદ્ાવાઇઝ અસરકારક કામગીરી કરવા સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જેમાં ચૂંટણી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા, તડીપાર જેવા અટકાયતી પગલા લેવા, પ્રોહીબીશનની પ્રવૃત્તિને ડામવા વધુમાં વધુ સફળ રેઇડો કરી દારૂબંધીની કડક અમલવારી કરવા સંબંધે સુચના આપવામાં આવેલ. તમામ પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડિયા પર સતત વોચ રાખી મોનીટરીંગ રાખવા સંબંધે સુચના આપવામાં આવેલ. એન. બી. ડબલ્યુ વોરંટની અસરકારક બજવણી કરવા સબંધે વધુમાં વધુ બજવણી કરી વોરંટના આરોપીઓને પકડી કોર્ટ હવાલે કરવા, જિલ્લામાં અલગ અલગ કુલ નવ જેટલી ચેકપોસ્ટો ચાલુ કરવામાં આવેલ જેમાં કુતિયાણા પોલીસ સ્ટેશન હેઠળની ચૌટા, જુણેજ અને ખાગેશ્રી, માધવપુર પોલીસ સ્ટેશન હેઠળની ગુંદાળી ચેકપોસ્ટ, મીયાણી મરીન પોલીસ સ્ટેશનની મિયાણી ચેકપોસ્ટ, રાણાવાવ પોલીસ સ્ટેશનની હનુમાનગઢ ચેકપોસ્ટ બગવદર પોલીસ સ્ટેશનની અડવાણા,ગોઢાણા, રોજીવાડા ચેકપોસ્ટ ચાલુ કરવામાં આવેલ.
સંવેદનશીલ બુથનું મોનીટરીંગ રાખવા જે વિસ્તારો અથવા મતદાન મથકો અગાઉના બનાવોને આધારે સંવેદનશીલ જાહેર કરાયા હોય, ત્યાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવા અને સતત વોચ રાખવી. કવીક રીસ્પોન્સ ટીમ (કયુ.આર.ટી.) તથા ગર્વ ટીમ દ્વારા કોઇપણ અનિચ્છનીય બનાવ બને ત્યારે તુરંત પહોંચી શકાય તે માટે કયુ.આર.ટી.ને સ્ટેન્ડબાય રાખવા સબંધે તથા દિવસે તથા નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવા સબંધે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.
ગંભીર ગુન્હાના આરોપીઓ, હિસ્ટ્રીશીટર, એમ.સી.આર., બુટલેગર્સ, ટપોરીઓ, વગેરેને વારંવાર ચેક કરી તેની પ્રવૃત્તિ પર વોચ રાખવા અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.
આ ચુંટણીલક્ષી મીટીંગમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા પોરબંદર શહેર ડીવીઝન તથા મુખ્યમથક, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્ય ડીવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા, રાણાવાવ ડીવીઝન તથા જિલ્લામાં નવા નિમણુંક પામેલ પોલીસ ઇન્સ્પેકટરો તથા તમામ થાણા, બ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
