બોગસ કુલમુખત્યારનામું તૈયાર કરી વેચાણ દસ્તાવેજ બનાવ્યાની બે મહિલા સામે ફરિયાદ થઈ’તી
આજીડેમ નજીક યોગીનગર બીનખેડવાણ પ્લોટ નં. 2 ની ચો.વાર 940 જમીનના ખોટા દસ્તાવેજો બનાવી પ્લોટો વેંચી નાંખવાના ગુન્હામાં મહિલાની આગોતરા જામીન અદલતે મંજુર કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરના વતની અને હાલ મુંબઈ રહેતા જાગૃતભાઈ મહસુખલાલ શાહ ધ્વારા તા.25/5/81 ના રોજ આજીડેમ ચોકડી પાસે રાજકોટ રે.સ.નં. 196 તથા 197 ના યોગીનગર બીનખેડવાણ પ્લોટ નં. ની ચો.વા.આ. 940 જમીન ખરીદવામા આવી હતી. બાદ પ્લોટનું વેચાણ કરવું હોય જેથી દૈનિકપત્રમાં નોટીસ આપતા નોટીસનો જવાબ અન્ય બે વ્યકિતઓ ધ્વારા ફરીયાદીને આપવામાં આવેલ જેથી તેઓએ સદરહું પ્લોટ અંગેના તમામ દસ્તાવેજો કઢાવેલ જેમાં પિતાના નામનું બોગસ કુલમુખત્યારનામું બનાવવામાં આવેલ છે જે કુલમુખત્યારનામાના આધારે પ્લોટ પાર્વતીબેન ચતુરભાઈ ભાવાણી અને કાજલબેન કરમશીભાઈ પરમારના નામનો વેચાણ દસ્તાવેજ બનાવવામાં આવેલ છે. આ પ્લોટ દીલીપ દીપચંદભાઈ બેલાણી તથા સીમાબેન પરેશભાઈ ચાવડાએ ખરીદ કરેલ છે જેથી કુલમુખત્યારનામા બાબતે તપાસ કરતા તે બોગસ હોય જાગૃતભાઈ શાહ ધ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી. સદરહું કામમાં આરોપી કાજલબેન પરમાર દ્વારા અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. સદરહું જામીન અરજી અન્વયે આરોપી તરફે એવી રજુઆત કરવામાં આવેલ કે કહેવાતું બોગસ કુલમુખત્યારનામું અમો દ્વારા બનાવવામાં આવેલ નથી તેઓ કાયદેસરના ખરીદનાર છે. હાલનો પ્લોટ અન્ય વ્યકિતને વેચી દીધેલ છે અને તેનો કબ્જો પણ તેઓ પાસે નથી બચાવ પક્ષની દલીલો અને ગુજરાત હાઈકોર્ટ તથા સુપિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ સેશન્સ અદાલત દ્વારા કાજલબેન પરમારને આગોતરા જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવ્યો હતો.
આ કામમાં વકીલ તરીકે ભગીરથસિંહ ડોડીયા, જયવિર બારૈયા, મીલન જોષી, ખોડુભા સાકરીયા, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી રોકાયા હતા.
