શાસક પક્ષના સ્થાનિક ચૂંટાયેલા સભ્યોને રજૂઆત કર્યા બાદ પણ સફાઈ કામ નહીં થતા વિપક્ષના સભ્યએ કામગીરી કરાવી: સ્થાનિક
ધોરાજી વોર્ડ નંબર નવ, હીરપરા વાડી માં આવેલ બાલાજી મંદિર વિસ્તારમાં સફાઈ મામલે ભારે ચર્ચા ઉઠવા પામી છે. ધોરાજી વોર્ડ નંબર નવમાં બાલાજી મંદિર પાસે આવેલ સાર્વજનિક મેદાન અને જાહેર માર્ગો પર સફાઈ થતી ન હોય જેને લઇ અનેક રજૂઆતો બાદ પણ સફાઈ હાથ ધરવામાં ન આવતા સ્થાનિક લોકોએ વોર્ડ નંબર છ માં ચૂંટાયેલા વિપક્ષ ના નગરસેવક યુસુબ નવીવાલા ને રજૂઆત કરતા આ નગરસેવકે જાતે હાજર રહી નગરપાલિકા ની સફાઈ મશીનરી અને સફાઈ કામદાર સાથે રાખી લોકો ની રજૂઆત મુજબ મેદાન માંથી કચરો ગંદકી હટાવી, રસ્તા સાફ કરાવી ડીડીટી નો છંટકાવ કરાવી આપ્યો હતો.
આ મામલે આ વિસ્તારના સ્થાનિક રહીશ અને અગ્રણી એડવોકેટ સી. એસ. પટેલ એ મીડિયાને જણાવ્યું હતું કે બાલાજી ગરબી ગ્રાઉન્ડ અને આસપાસમાં ખુબજ ગંદકી અને કચરો એકઠો થઈ ગયો હતો. અનેક વખત સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર નવ ના ચૂંટાયેલા શાસક પક્ષના સભ્યો ને રજૂઆત કરી હતી. પરંતુ અનેક રજૂઆતો બાદ પણ સફાઈ કરવામાં ન આવતા અંતે નગર પાલિકા માં વિપક્ષના અને વોર્ડ નંબર છ ના ચૂંટાયેલા નગરસેવક યુસુબ નવીવાલા ને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ વિપક્ષના નગરસેવકે નગરપાલિકા ના સફાઈ કર્મીઓ અને સફાઈ માટે જેસીબી, ટ્રેક્ટર સહિત સાધનો સાથે રાખી લાંબા સમયથી એકત્રિત કચરો સાફ કરાવી ડીડીટી છંટકાવ સહિત કામગીરી કરી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે ધોરાજી નગરપાલિકામાં હાલ ભાજપ નું શાસન ચાલી રહ્યું છે. અને વોર્ડ નંબર નવમાં તમામ ચૂંટાયેલા સભ્યો શાસક પક્ષના હોય તેમ છતાં અન્ય વોર્ડના નગરસેવકે લાંબા સમય થી લોક રજૂઆત ને અનુલક્ષી કામગીરી કરાવતા વોર્ડ નંબર નવમાં ચર્ચાનો વિષય બન્યો છે.
