સત્યની ગર્જના અખબારના ભાગીદારને દબોચતી પોલીસ: ફરાર 10 તોડબાજ પત્રકારની ધરપકડ
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર નામાંકીત તબીબની અંગતપળો વાઇરલ કરવાની ધમકી આપી રૂા.25 લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે સત્યની ગર્જના અખબારના ભાગીદાર અને તોડબાજ પત્રકારની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં હજુ 10 તોડબાજ પત્રકાર ફરાર હોય તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.
રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનિક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત સીસીટીવી કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી રૂપે રૂ. 25 લાખની માંગણી કરવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. 1 એપ્રિલના પોલીસે અજયસિંહ ચુડાસમા નામના શખ્સની ધરપકડ કરી છે જે અગાઉ ઝડપાયેલ આરોપી ડોક્ટર કેતન નાંઢાનો મિત્ર છે અને ડોક્ટર કેતનએ જ તેને વીડિયો આપી રૂપિયા પડાવવા માટે જાણ કરી હતી. આ પછી તેમણે પોતાના સત્યની ગર્જના અખબારના ભાગીદાર સહીત ચાર લોકો સાથે મળી ડોક્ટર પાસે રૂપિયા 25 લાખની માંગણી કરી હતી. હાલ આ કેસમાં હજુ 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં બે તોડબાજ પત્રકારની ધરપકડ કરી છે.
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ એસીપી ચિંતન પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ઇગજ કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઇટી એક્ટની કલમ 66(ઊ), 67, અને 67(અ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમના વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં સાધુવાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડો.કમલ નાંઢા, હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે.
આ કેસમાં ફરિયાદીના ક્લિનિકમાં ડો. કમલ નાંઢા નામના શખ્સ દ્વારા ફરિયાદીના ક્લિનિકમાં લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો હતો જે કેમેરાની અંદર મેમરી કાર્ડ ઇનબિલ્ટ હતું. જયારે પણ બલ્બ હોલ્ડરની સ્વીચ ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્પાય કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થઇ જતું હતું અને મેમરી કાર્ડમાં તે સ્ટોરેજ થતું હતું. સ્પાય કેમેરા મારફત ક્લિનિકના માલિક તબીબની અંગત પળોની વિડીયો ફૂટેજ સ્ટોર કરી હતી. અગાઉ ડોક્ટર કમલની ધરપકડ બાદ આજે તેના મિત્ર અજયસિંહ ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે. અજયસિંહ ચુડાસમા કે જે પત્રકાર હોવાનું જણાવતા તેમની સાથે ડોક્ટર કમલ નાંઢાએ વિડીયો શેર કરી રૂપિયા પડાવવા માટે પ્લાન બનાવ્યો હતો. આ પછી આરોપી અજયસિંહ ચુડાસમા દ્વારા પોતાના સત્યની ગર્જના અખબારના ભાગીદાર હિરેન મકવાણાને જાણ કરતા તેઓ ચાર લોકો મળી તબીબને બ્લેકમેલ કરી તેની પાસેથી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી પણ કરવામાં આવી હતી.
અજયસિંહ ચુડાસમાની ક્રાઇમ કુંડળી
પોલીસ તપાસમાં આરોપી અજયસિંહ ચુડાસમા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. અજયસિંહ ચુડાસમા વિરુદ્ધ અગાઉ મારામારીના ત્રણ ગુના, પ્રોહિબિશનના બે ગુના તેમજ આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ બે જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.
