રાજકોટમાં સોની વેપારીનું અપહરણ કરી ધમકી આપતા દંપતિનો આપઘાતનો પ્રયાસ

ઔરંગાબાદના સોની વેપારીએ પોતાના સોનાની ઉઘરાણી કરી: બંગાળી કારીગર રાજકોટના વેપારીનું સોનું લઇ ફરાર થયો

કુવાડવાના રામાધામ મંદિર પાસે રાજકોટના સોની વેપારી દંપતીએ ફિનાઈલ ગટગટાવ્યું હતું. બંનેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોનાની લેતી-દેતીમાં સોની વેપારીનું અપહરણ કરી ધમકીઓ આપતા દંપતીએ આપઘાત પ્રયાસ કર્યો હતો. રાજકોટના વિશાલભાઈ ઝીંઝુવાડિયા ત્રણ દિવસથી ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા, પત્ની પૂજાબેન તેમને શોધીને ઘરે આવતા હતા ત્યારે પગલું ભર્યું હતું. ઔરંગાબાદના સોની વેપારીએ પોતાના સોનાની ઉઘરાણી કરી પણ બંગાળી કારીગર વિશાલભાઈનું સોનુ લઈ નાસી ગયો હોય મુદ્દામાલ પરત આપી શકતા નહોતા એવું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર, વિશાલભાઈ હરકિશનભાઈ ઝિંઝુવાડીયા (ઉંમર વર્ષ 41) અને તેમના પત્ની પૂજાબેન (ઉંમર વર્ષ 39) (રહે.જે કે એપાર્ટમેન્ટ, મોરબી રોડ, નાની ફાટક પાસે રાજકોટ) ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા આસપાસ કુવાડવા ગામ રામધામ મંદિર પાસે હતા ત્યારે બંનેએ ફિનાઈલ પી લેતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા. પરિવારજનોએ જણાવ્યા મુજબ, પગલું ભરતા પહેલા દંપતીએ એક સ્યુસાઈડ નોટ લખી હતી અને તેમના બનેવીને વોટ્સએપમાં મોકલી. તે જોઈ ફોન કરી પૂછતાં બંનેએ કુવાડવા રામધામ મંદિર પાસે હોવાનું કહ્યું હતું. સગા સંબંધી તત્કાલ સ્થળ પર પહોંચ્યા હતા. દંપતીને સિવિલ હોસ્પિટલ ખસેડેલ. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. પુછપરછમાં જાણવા મળેલ કે, આપઘાત પ્રયાસ કરનાર વિશાલભાઈને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. તેઓ ઘરેથી જ સોનાના દાગીના ઘડવાનું કામ કરે છે. સ્યુસાઇડ નોટમાં તેમણે લખ્યું કે, હું વિશાલ અને પૂજા સજોડે પગલું ભરીએ છીએ, હું વિશાલ ઝીંઝુવાડિયા અને મારો ભાઈ જયદીપ તેમજ કારીગર કલ્પેશ ધોળકિયા અમે સોનાના દાગીના બનાવી ઔરંગાબાદના સંભાજીનગરમાં આવેલ અંકિત જવેલર્સ નામની પેઢી ધરાવતા આતીશભાઈ સવાઈવાલા અને સિધ્ધનાથ રિફાઇનરી વાળા મચ્છુભાઈને 10 વર્ષથી વેચી વેપાર કરતા હતા. ગયા મહિને મને અને મારા ભાઈને બળજબરી પૂર્વક સાથે લઇ ગયા હતા અને મારી પાસે લખાણ કરવા માંગતા હતા કે, આતીશભાઈ સોનુ માગે છે, એવો ખોટો આરોપ લગાવતા હતા. જે બાદ તેની સાથેના છ શખ્સોએ મને રાજકોટ આવી મળવા બોલાવ્યો હતો અને અપહરણ કરી બગોદરા સુધી લઇ ગયા. મારો ફોન પણ લઇ લીધો હતો. મારી પત્ની પૂજાને ખબર પડતા આતીશભાઈને ફોન કરી આજીજી કરી હતી એમ છતાં મને લઇ ગયા હતા. બાદમાં પરિવારે બી ડિવિઝન પોલીસમાં અરજી કરતા પોલીસે ફોન કરી આતીશભાઈને પાછા બોલાવતા ત્યાં પણ મારી પાસે ખોટું લખાવ્યું હતું કે, મારી પાસેથી 1200 ગ્રામ સોનુ માંગે છે. અને હવે મારી ખોટી ફરિયાદ સંભાજીનગરમાં કરાવીને 2 કિલો સોનુ માંગે છે તેમ કહી રહ્યા છે. આતીશભાઈ ધમકી આપે છે કે, તમને અહીંથી કોઈ છોડાવી શકશે નહીં. મારે એમની સાથે કોઈ વહીવટ નથી, સાથે કલ્પેશ ધોળકિયા જે કારીગર છે એ પણ ખોટું ટોર્ચર કરે છે કે તે સોનુ મારું છે. મારુ સોનુ હતું એ મારો બંગાળી કારીગર હારુન શેખ લઈ ગયો છે જેની ફરિયાદ પણ એ ડિવિઝન પોલીસમાં નોંધાવી છે. આ પગલું આતીશભાઈ અને તેના માણસોના ત્રાસથી ભરીએ છીએ અને તેના જવાબદાર આતીશભાઈ છે.
પરિવારે જણાવ્યું કે, ત્રાસના કારણે વિશાલભાઈ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા. પૂજાબેન તેમની શોધમાં ગયા હતા. વિશાલભાઈ અમદાવાદ જોગણી માતાના મંદિરેથી મળી આવ્યા હતા. દંપતી પરત રાજકોટ આવતું હતું ત્યારે આ પગલું ભર્યું હતું. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ