વોર્ડ નં-10માં બનશે નવી ફૂડ લેબોરેટરી
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં 30 દરખાસ્ત મંજૂર, રાત્રી સફાઈ બાયોમેડિકલ વેસ્ટના નિકાલની દરખાસ્ત પેન્ડીંગ રખાઈ
રાજકોટ મહાનગરપાલિકામાં શુક્રવારે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 30 દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જ્યારે રાત્રી સફાઈ અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલની દરખાસ્ત પેન્ડીંગ રખાઈ હતી. તો આનંદના સમાચાર એ છે કે, કરદાતાઓ માટે વ્યાજમાફીની યોજના 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. તો વોર્ડ નં-10માં નવી ફૂડ લેબોરેટરી બનાવશે.
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષપદે મળી હતી. આ બેઠકમાં શહેરી વિકાસ અને જનહિતના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કુલ 32 દરખાસ્તોમાંથી 30 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે, જ્યારે રાત્રી સફાઈ અને બાયોમેડિકલ વેસ્ટનાં નિકાલની 2 દરખાસ્તો વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. સ્ટે. કમિટી દ્વારા કુલ 60 કરોડના કામોની દરખાસ્ત સામે 49,41 કરોડનાં વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જોકે નવી ફૂડ લેબોરેટરી બનાવવા, જેટકોને જંમીન ફાળવવા અને વ્યાજમાફીની મુદ્દત 31 ડિસેમ્બર સુધી લંબાવવાનાં નિર્ણય પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.
સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાનાં જણાવ્યા અનુસાર, વોર્ડ નં. 10 માં નવી ફૂડ લેબોરેટરી બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ફૂડ લેબોરેટરી અંગે 18 ટકા ૠજઝ સહિતનો ખર્ચ વહેતા 5.22 કરોડનો ખર્ચ થશે. આ લેબોરેટરી બનવાથી ફૂડ સેમ્પલના રિપોર્ટ્સ હવે રાજકોટમાં જ ઝડપથી મળી રહેશે અને ગેરરીતિ સામે ત્વરિત પગલાં લઈ શકાશે. આ ઉપરાંત, જેટકોને નવા રિંગરોડ ઉપર કીમતી જમીન કોર્પોરેશન વેચશે. જેટકોને જમીન આપવાની બાબતમાં કોર્પોરેશનને અંદાજે 85 કરોડની આવક થશે. આ રકમ મનપાની તિજોરીમાં જમા થશે, જેનાથી આર્થિક સધ્ધરતા વધશે. નાગરિકો માટે રાહતના સમાચાર તરીકે, કરદાતાઓ માટે વ્યાજમાફીની યોજના આગામી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જોકે, બે દરખાસ્તોને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં શહેરના મુખ્ય માર્ગોની રાત્રી સફાઇની કામગીરીમાં રોકાયેલા ટ્રક માઉન્ટેડ મિકેનિકલ પાવર રોડ વેક્યુમ સ્વિપિંગ મશીન 12 નંગ કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેઇટેનન્સ માટે 11 કરોડનો ત્રિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર કરવા દરખાસ્ત હતી. આમાં વેક્યુમ મશીન કરતાં ઓપરેશન એન્ડ મેઇટેનન્સનો ખર્ચ વધુ જણાતાં તેમજ 11 કરોડના ખર્ચ અંગે આશંકા ઉઠતા આ દરખાસ્ત પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત આરોગ્ય શાખા હસ્તકના યુ.પી.એચ.સી., યુ.સી.એચ.સી. તથા અન્ય શાખાઓના બાયો મેડિકલ વેસ્ટના નિકાલ અર્થે દ્વિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ કરવા કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.
આજે મનપાનું જનરલ બોર્ડ પાણી પ્રશ્ર્ને ભાજપ-કોંગ્રેસ એક થયા
રાજકોટ શહેરમાં આ વર્ષ ચોમાસામાં નહીંવત વરસાદ પડતા જળ સંકટના એંધાણ શરૂ થયા છે. દિવાળી પૂર્વે જ રાજકોટવાસીઓને પાણી પુરૂ પાડતા ડેમોમાં માત્ર 20 દિવસ ચાલે તેટલું પાણી હોય દિવાળી પર્વ ઉપર જ પાણીનો પોકાર ઉભો થવાની શક્યતા છે. ત્યારે આજે મેયર ડો. શુક્લના અધ્યક્ષસ્થાને મળનારા મનપાના જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો પાણીની ચિંતા કરી અધિકારીઓ પાસે આયોજનાત્મક પગલાની જાણકારી માગશે. તો બહુચર્ચિત એવા જંગલેશ્ર્વર ડિમોલીશનમાં થયેલા કટકીકાંડનો પ્રશ્ર્ન પ્રશ્ર્નોતરીમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. તો શહેરમાં ખાધ પદાર્થમાં ભેળસેળ સામેના કાયદાનું વધુ આકરો બનાવવા, ભેળસેળીયા ધંધાર્થિઓ સામે ફોજદારી કાર્યવાહીથી માંડીને આકરી સજા સહિતના ઠરાવ કરીને સરકારને મોકલવાની દરખાસ્ત કરાશે.
