સંબંધો સુધર્યા:કેનેડાના વડાપ્રધાન માર્ચ માસમાં ભારત આવનાર છે

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં આવી રહેલા મહત્વપૂર્ણ સુધારા વચ્ચે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નિ આગામી સમયમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને બંને દેશો વચ્ચે યુરેનીયમ, ગેસ સહિતના ક્ષેત્રોમાં મોટા વ્યાપાર કરાર થશે તેવા સંકેત છે. કાર્નિ માર્ચ મહિનામાં ભારતનો પ્રવાસ કરી શકે છે.

ટ્રમ્પના ટેરીફનો તાપ સહન કરી રહેલા ભારત અને કેનેડાએ દ્વિપક્ષી વ્યાપાર વધારવા તૈયારી બતાવી

વિદેશ મંત્રી એસ.જયશંકર અને કેનેડાના વિદેશ મંત્રી અનિકા આનંદ વચ્ચે થયેલી ટેલીફોનિક વાતચીત બાદ આ પ્રવાસને આગળ વધારવા નિર્ણય લેવામાં આવ્યો હતો ખાસ કરીને કેનેડા જે રીતે ખનીજ સંપતિમાં સૌથી મોખરે દેશ ગણાય છે તેની સાથે ભારતને આગામી સમયમાં મોટો લાભ થશે અને યુરેનીયમ ક્ષેત્રમાં ભારત જે રીતે અણુ ઉર્જાનો ઉપયોગ વધારવા આગળ વધી રહ્યું છે તેમાં કેનેડા મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
કેનેડાના ઉર્જા મંત્રી ટીમ હોજીસન એ ગોવામાં ઇન્ડિયા એનર્જી વિકમાં ભાગ લેવા આવી રહ્યા છે અને ભારતના પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંહ પુરી સાથે તેઓ મહત્વના ખનીજ ઉપરાંત યુરેનીયમ અને એલપીજી સહિતના ક્ષેત્રે ચર્ચા કરશે અને બંને દેશો વચ્ચે કરાર થાય તેવા સંકેત છે.
કેનેડામાં ખાલીસ્તાની નેતા નિજજરની હત્યા બાદ બંને દેશો વચ્ચે જે સંબંધોમાં કડવાશ આવી હતી અને રાજદ્વારી સંબંધો પણ ઘટાડાયા હતા તે પછી અમેરિકાના ટેરીફ મુદ્દે જે રીતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપરાંત કેનેડા સામે પણ આકરૂ વલણ લીધુ છે તે પછી કેનેડા ભારતની વધુ નજીક આવી હોવાના સંકેત છે.

રિલેટેડ ન્યૂઝ