આજે ઝારખંડની 43 વિધાનસભા બેઠક ઉપરાંત વાયનાડની પેટા ચૂંટણીનું મતદાન
દેશમાં ફરી સર્જાયેલા ચૂંટણીના વાતાવરણમાં આવતીકાલે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબકકામાં 43 બેઠકો પર મતદાન થશે. રાજ્યની 81 બેઠકોમાંથી બાકીની બેઠકો પર તા.20ના રોજ મતદાન થશે. જ્યારે બીજી તરફ પ્રતિષ્ઠાજનક વાયનાડ લોકસભા બેઠક સહિત કુલ 47 વિધાનસભા બેઠક પર પણ મતદાન થશે. વાયનાડમાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે અને ગઇકાલે પ્રચારના પડખમ શાંત થતાં પહેલા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ વાયનાડમાં એક જબરી રેલી યોજી હતી જેમાં રાહુલ ગાંધીએ આઇ લવ વાયનાડ લખેલું ટી-શર્ટ પહેરીને સૌનું ધ્યાન ખેંચી લીધું હતું અને ત્યારબાદ વાયનાડમાં આ પ્રકારના હજારો ટી-શર્ટ પહેરેલા યુવક અને યુવતિએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં જે રીતે રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો જીતી હતી તેમાંથી વાયનાડ ખાલી કરી જેમાં હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ ઉમેદવારના જંગ જેવી આ બેઠક રાજ્યભરમાં ધ્યાન ખેંચી ગઇ છે અને તે બેઠક જીતવા ભાજપે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. વાયનાડના પરિણામો રાજ્યના રાજકારણ પર અસર પાડશે તે નિશ્ર્ચિત છે.