એક તબકકે માર્કેટકેપમાં વધુ 6 લાખ કરોડનું ધોવાણ હતું શેરબજારમાં ઉથલ પાથલ: 1000 પોઇન્ટ તૂટ્યા બાદ રિક્વર

સેન્સેક્સ 250 પોઇન્ટ ડાઉન-82000ની નીચે સરકી ગયો: મીડકેપ શેરો સતત બીજા દિવસે ઉંધા માથે પટકાયા

વૈશ્ર્વિક ઘટનાક્રમોના ગભરાટ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાં બજારોમાં ઉથલ પાથલ છે ત્યારે ભારતીય શેરબજારમાં પણ અફડા તફડી મચી હતી. સેન્સેક્સ એક તબકકે 1000 પોઇન્ટ ગગડીને 82000ની નીચે ઉતરી ગયા બાદ રિકવર થયો હતો.
શેરબજારમાં આજે શરુઆત સાવચેતીના ટોને થઇ હતી પરંતુ ગણતરીની મીનીટોમાં વેચવાલીનો મારો શરુ થઇ જતાં ફરી કોહરામ સર્જાયો હતો. વિશ્ર્વસ્તરે ભૌગોલિક ટેન્શન, નવા-નવા ટેરિફવોર, યુધ્ધના ભણકારા જેવા કારણોની વિપરીત અસર હતી. વિદેશી નાણાં સંસ્થાઓની આક્રમક કરોડો રુપિયાની વેચવાલીનો ગભરાટ હતો. વિદેશી સંસ્થાઓ રોજ 3000 કરોડ આસપાસનો માલ ફુંકી રહ્યાનું કહેવાતું હતું. લોકલ ફંડો પણ જંગી નાણાં ઠાલવતી હોવા છતાં આક્રમક વેચવાલી સામે અપૂરતી હતી. ડોલર સામે રુપિયાની નબળાઇથી મંદીનું નવું કારણ સર્જાયું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટ્રમ્પના ટેરિફ તથા યુધ્ધની ધમકીઓનો જ ગભરાટ છે અને આ સ્થિતિમાં પોઝીટીવ કારણોની પણ કોઇ અસર આવી શકતી નથી. મહત્વની વાત એ છે કે દસ દિવસ બાદ કેન્દ્રીય બજેટ રજુ થવાનું છે ત્યારે તે વિશેની અટકળો કે આશાની પણ કોઇ અસર નથી. વૈશ્ર્વિક ઘટનાક્રમો જ માર્કેટને ધ્રુજાવે છે તેનું ચિત્ર સ્પષ્ટ થતાં સુધી સ્થિરતા મુશ્કેલ છે.
શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા હતા. મધરસન સુમી, ઇન્ડિગો, ભેલ, હિન્દુસ્તાન ઝીંક, વોડાફોન, યશ બેંક, મુથુટ ફાઇનાન્સ જેવા કેટલાંક શેરોમાં સુધારો હતો. જ્યારે કલ્યાણ જ્વેલર્સ, એસઆરએફ, પીટીએમ, કોફોર્જ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, સુઝલોન, ટાટા કેમીકલ્સ, બલરામપુર ચીની, પતંજલી વગેરે શેરોમાં ગાબડા હતા.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 82000ની નીચે ઉતરી ગયો હતો. 246 પોઇન્ટના ગાબડાથી 91933 સાંપડ્યો હતો. જે ઉંચામાં 82407 તથા નીચામાં 81124 હતો. નિફટી 109 પોઇન્ટના ઘટાડાથી 25123 હતો તે ઉંચામાં 25300 તથા નીચામાં 24919 હતો. બીએસઇમાં આજે 4339 શેરોમાં ટ્રેડિંગ થયું હતું. 1215માં સુધારો અને 2989માં ઘટાડો હતો. 54 શેરો વર્ષની ઉંચાઇએ અને 876 તળીયે પહોંચ્યા હતા. 108 શેરોમાં સીધી અને 262માં ઉંધી સર્કિટ હતી. માર્કેટ કેપ 452.91 લાખ કરોડ હતું. એક તબકકે ઇન્વેસ્ટરોના 6 લાખ કરોડ ડૂબી ગયા હતા. એક તબકકે માર્કેટકેપ 449.76 લાખ કરોડ સુધી નીચે ઉતરી ગયું હતું.

રિલેટેડ ન્યૂઝ