સોના-ચાંદીના ભાવોમાં ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક તેજી બાદ છેલ્લા બે દિવસથી અભૂતપૂર્વ ઉથલપાથલ થઇ ગઇ છે જેને પગલે માર્કેટમાં હાજરના સોદા ઠપ્પ થઇ ગયાનો ઘાટ સર્જાયો છે. બુલીયનના વેપારીઓએ ભાવ કાઢવાનું અને બુકિંગ કરવાનું અટકાવી દીધાનું અને માત્ર સેઇમ-ડેના વ્યવહાર અમુક વેપારીઓ કરતાં હોવાનું બહાર આવ્યું છે.
સોના-ચાંદીના ભાવમાં ઉથલપાથલ ઉપરાંત રવિવારે રજુ થનારા કેન્દ્ર સરકારના સામાન્ય અંદાજ પત્રને ધ્યાનમાં રાખીને વેપારીઓએ આ વ્યૂહ અપનાવ્યો છે.
સોની બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે સોના-ચાંદીમાં ધરખમ ઉંચા ભાવ અને મોટી વધઘટને કારણે રીટેઇલ ઘરાકીને પણ મોટો ફટકો પડ્યો છે. ત્યારે હોલસેલમાં તો વેપારીઓએ ભાવ બોલવાનું કે સોદા-બુકિંગ કરવાનું જ અટકાવી દીધું છે. બુલિયનના વેપારીઓ ફાઇન સોના-ચાંદીનું વેચાણ કરતાં હોય છે. જ્વેલર્સો ખરીદી કરીને તેમાંથી દાગીના બનાવતા હોય છે પરંતુ ગઇકાલથી જે રીતની ભાવની ઉથલપાથલ શરુ થઇ છે તેને ધ્યાનમાં રાખીને બુલીયનના વેપારીઓએ ભાવ કે બુકિંગને જ બ્રેક મારી દીધી છે. જાણીતા વેપારીએ કહ્યું કે પાંચ-પંદર મીનીટમાં પાંચ-દસ હજારની મુવમેન્ટ આવી જાય છે. વેપારી સાથે ભાવની ચર્ચા ચાલતી હોય ત્યાં જ ભાવ બદલાઇ જતાં હોય છે. આ સંજોગોમાં વેપાર કરવાનું જ ઘણું મુશ્કેલ થઇ ગયું છે. આજ રીતે 1-ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજુ થવાનું છે. સોના-ચાંદી સહિત સમગ્ર મેટલમાં અભૂતપૂર્વ તેજીના કારણે આ ક્ષેત્ર માટે કોઇ દરખાસ્ત આવી શકે છે. ઇમ્પોર્ટટેક્સ કે જીએસટી અથવા માર્કેટને અસર કરતી અન્ય કોઇ દરખાસ્ત આવે તો માર્કેટ અત્યારના તબકકે પણ અભૂતપૂર્વ ઉથલપાથલના માર્ગે છે અને બજેટમાં સંભવિત દરખાસ્તથી અફડાતફડી વધુ તોફાની બની શકે છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને હાલ વેપાર કરવાના બદલે ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધી પ્રતિક્ષા કરવાનો વ્યૂહ અપનાવાયો છે.
વેપારીઓએ જો કે એવી ચોખ્ખવટ કરી હતી કે સોદા સંપૂર્ણ અટકાવી દેવાયા એવું નથી. કેટલાક વેપારીઓ સેઇમ-ડે વ્યવહાર પૂર્ણ કરવાની શરતે નાના-મોટા સોદા કરતા જ રહ્યા છે. અર્થાત સોદાનો ભાવ નક્કી થાય તે સાથે જ એક જ દિવસમાં ડીલીવરી અને પેમેન્ટની શરતે આ સોદા થઇ રહ્યા છે. બાકી બુકિંગ અટકાવી દેવામાં આવ્યું છે. સોમવારે વિશ્ર્વ બજારની મુવમેન્ટ અને બજેટનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ફરી વેપાર પાટે ચડે તેવી શક્યતા છે.
બીજી તરફ જ્વેલર્સોના રીટેઇલ વેપાર પણ યથાવત જ રહ્યા છે. જો કે જ્વેરીઓએ એમ કહ્યું કે ઉંચા ભાવ અને મોટી મુવમેન્ટના કારણે રીટેઇલ ઘરાકી પણ ઠપ્પ જેવી જ થઇ ગઇ છે અને શો રુમ ખાલીખમ જેવા બન્યા છે. આવતા દિવસોમાં ઉથલપાથલ અને માર્કેટ સ્થિર થાય તો ઘરાકીનો સળવળાટ આવી શકે છે.
જુનું સોનુ પરત કરવાના ભાવમાં પણ મોટી અવઢવ: પાંચ-સાત હજારનો ‘ગાળો’ રખાય છે
સોની બજારના જાણીતા વેપારીએ જણાવ્યું હતું કે કેટલાક વખતથી સોનાના ઉંચા ભાવને કારણે લગ્ન કે પ્રસંગો માટે નવા દાગીના ખરીદવા માંગતા ઘણા લોકો જુનું સોનુ પરત આપીને નવા દાગીના લેવાનો ટ્રેન્ડ અપનાવતા હતા અત્યારે ભાવ રેકોર્ડ સપાટી આસપાસ જ રહ્યા છે. ભાવમાં હજુ તેજી થશે કે કરેક્શન આવશે તે વિશે અટકળો છે. ઇન્વેસ્ટમેન્ટ માટે સોનુ લેનારા કેટલાક ઇન્વેસ્ટરો ઉંચા ભાવે નફો બાંધવાની પણ માનસિકતા ધરાવી છે. આ વર્ગ સોનુ વેચવા ત્યારે સોદાના ભાવમાં પણ મોટી અવઢવ અને ગુંચ ઉભી થતી હોય છે. કારણ કે અત્યારે મુવમેન્ટ જ એટલી જબરદસ્ત છે કે ચાલુ ભાવે સોનુ પરત લેવામાં જ્વેરીઓ પણ ખચકાટ અનુભવે છે. વર્તમાન પરિસ્થિતિમાં સોનુ વેચવામાં પાંચ-સાત હજારનો ગાળો રાખવામાં આવે છે ગઇકાલ રાત્રે અભૂતપૂર્વ મુવમેન્ટ થઇ ત્યારે આ ભાવનો ગાળો 10 હજાર સુધી પહોંચી ગયો હતો. સામાન્ય દિવસોમાં એક હજારથી દોઢ હજારનો ગાળો રહેતો હોય છે.
