અખબારી અહેવાલો પરથી સંકેત: રોજના 1.50 લાખ બેરલ ખરીદીની યોજના: અમેરિકાના પ્રતિબંધ બાયપાસ થાય તે રીતે ખરીદી કરશે
રશિયન ક્રુડતેલ ખરીદી મુદે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે ઉંચા ટેરિફની તોપ દાગેલી જ છે અને ભારતે પણ રશિયન ક્રુડતેલ ખરીદી ઘટાડી દીધી હોવાનું જાહેર કર્યુ છે તે વચ્ચે દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે આગામી મહિનાથી ફરી એક વખત રશિયન ક્રુડતેલ ખરીદી શરુ કરશે અને રોજના 1.50 લાખ બેરલની ખરીદી કરવા આગળ વધી રહી છે. આ અંગેના એક રિપોર્ટ મુજબ રિલાયન્સે જે રશિયન ક્રુડતેલ વેચનારી કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધ નથી તેના મારફત ક્રુડતેલ ખરીદવાની યોજના તૈયાર કરી છે તે ક્રુડતેલનું પ્રોસેસીંગ જામનગરની રિફાઈનરીમાં થશે. જો કે કંપનીએ આ અંગે કોઈ સતાવાર જાહેરાત કરી નથી પરંતુ કંપનીના અધિકારીઓને ટાંકીને આ અહેવાલ આપવામાં આવ્યા છે. રોઈટરે પણ અગાઉ અહેવાલ આપ્યા હતા કે ફેબ્રુઆરી અથવા તો માર્ચથી રિલાયન્સ ફરી એક વખત રશિયન ક્રુડતેલ ખરીદવાનું શરૂ કરશે. રિલાયન્સે જાન્યુ. માસમાં એકપણ બેરલ ક્રુડતેલ રશિયા પાસેથી ખરીદ્યુ નથી અને કંપનીએ પણ આ ખરીદી અટકાવી હોવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રશિયન સહિતની ક્રુડતેલ ખરીદી તે પ્રોસેસ કરી પેટ્રોલ અને ડિઝલ સહિતના પેટ્રોલિયમ પેદાશોની નિકાસ કરે છે અને કંપનીની જામનગર રિફાઈનરી કે જે 1.4 મીલીયન બેરલ પ્રતિદિનની ક્ષમતા ધરાવે છે તે અલગ અલગ દેશો પાસેથી પેટ્રોલ ખરીદે છે.
