જેતપુરના સાડીના કારખાનેદાર પાસેથી 20 લાખ માંગનાર આપના પૂર્વ પ્રમુખની ધરપકડ

કારખાનેદાર વિરૂધ્ધ ફરિયાદ પાછી ખેંચવા આરોપીઓએ ખંડણી માટે

બ્લેક મેલ કરનાર અન્ય શખ્સની ધરપકડની તજવીજ : ઔધોગિક એકમો આર્થિક ફાયદા માટે કાયદાનો ભંગ કરતા હોઇ લેભાગુ તત્વો બ્લેક મેલ કરી કારખાનેદારો પાસેથી રૂપિયા ખંખેરતા હોવાની લોક ચર્ચા

(પ્રતિનિધિ દ્વારા)
જેતપુર તા. 12
જેતપુર સાડીના કારખાનેદાર પાસેથી રૂપિયા 20 લાખની ખંડણી માંગવાના ગુનામાં શહેર આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખની ધરપકડ કરાઇ છે.
આમ આદમી પાર્ટીના શહેરનાં પૂર્વ પ્રમુખ ભાવેશ ગીણોયા મીડિયેટર મારફતે 25 લાખ માંગતા ચકચાર
જેતપુર સાડીના કારખાનેદાર રમણીકભાઈ માધવભાઈ બુટાણીએ પોતાનું કારખાનું ક્લોઝરને કારણે બંધ હોવા છતા પોલૂયસનના કાયદા હેઠળ, ઈલેક્ટ્રી સીટીના કાયદા,મામલતદાર કચેરીમાં અરજી કરીને ભય બતાવીને લાખો રૂપિયા પડાવવા કોશિષ કરતા જેતપુર શહેર પોલીસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ સહિતના બે વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે.
જેતપુર શહેરના ચાંપરાજપૂર રોડ પર જય ગૌતમ ટેક્સટાઇલ નામે કારખાનું ધરાવતા રમણીકભાઇ બુટાણીએ જેતપુર શહેરના પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓના કારખાનાને વર્ષ 2018થી જ જી.પી.સી.બી.નું ક્લોઝર લાગેલ છે અને વીજ કનેકશન પણ કાપી નાખવામાં આવેલ છે, 30 એપ્રિલ, 2022ના રોજ જેતપુર શહેર આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ભાવેશ ગીણોયા જેતપુર મામલતદાર, પ્રદુષણ બોર્ડ તેમજ પી.જી.વી.સી.એલ.ને અરજી કરી હતી. જે અરજીને લઈને કારખાનેદાર રમણીકભાઇ બુટાણી પોતાના કાકાના દીકરા ધીરુભાઈ રઘુભાઇ બુટાણી સાથે ભાવેશ ગીણોયા ને મળવા ગયા હતા ત્યારે ભાવેશભાઈએ પ્રદુષણ બોર્ડ તેમજ પી.જી.વી.સી.એલ.ના કાયદા અનુસાર દસેક વર્ષની જેલ થશે તેવો ભય દર્શાવી જેતપુરના નવાગઢના ખાટકીવાસમાં રહેતા ઈદ્રીશભાઈ નામના મીડિયેટર મારફતે ફરિયાદ પાછી ખેંચવા 25 લાખની ખંડણી માંગી હતી, જોકે અનેક રકઝક બાદ 20 લાખ ચૂકવવાનું નક્કી થયું હતું.
જેતપુર શહેરના ઔદ્યોગિક એકમો પોતાના આર્થિક ફાયદા માટે કાયદાઓનો ભંગ કરે છે અને જેનો લાભ લઇ અમુક લેભાગુ તત્વો અવારનવાર કારખાનેદારોને બ્લેકમેઈલ કરી રૂપિયા ખંખેરી લેતા હોવાના અનેક કિસ્સાઓ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
હાલ, જેતપુર પોલીસે આમ આદમી પાર્ટીના જેતપુર શહેરનાં પૂર્વ પ્રમુખ ભાવેશ ગીણોયા તેમજ ઈદ્રીશભાઇ વિરુદ્ધ આઈ. પી. સી. 384, 389, 506 તેમજ 102 મુજબ ગુનો દાખલ કરી વિજય ગિનોયાની ધરપકડ કરી ઈદ્રીશભાઈ નામના શખ્સની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે

રિલેટેડ ન્યૂઝ