તાલાલામાં પીપળવા રોડ ઉપર વેપારીની દુકાન ઉપર પથ્થરમારો: પોલીસને પણ ઝપટે લીધી

ટ્રેક્ટર અને મોટરસાયકલ ટચ થતાં થયેલ માથાકુટ શાંત પાડવા ગયેલ વેપારી મંડળના પ્રમુખની દુકાન હુમલાનો ભોગ બની

નિર્દોષ વેપારી ઉપર હુમલા બાદ શહેર સજ્જડ બંધ
તાલાલા શહેરમાં પીપળવા રોડ ઉપર કોઈ પણ કારણ વગર વેપારી મંડળના પ્રમુખ દીપકભાઈ માંડવીયા ના પ્રોવિઝન સ્ટોર ઉપર હુમલો થતાં બનાવનાં વિરોધમાં શહેરની મુખ્ય બજારોની તમાંમ દુકાનો ટપોટપ બંધ કરી હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે તમામ સમાજના વેપારી ભાઈઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.
આ બનાવની વિગત એવી છે કે તાલાલા શહેરમાં પીપળવા રોડ ઉપર કાપડ બજારના ખુણા પાસે ટ્રેક્ટર અને ત્રિપલ સવારની મોટર સાયકલ માત્ર ટચ થઈ હતી.આ દરમ્યાન મોટરસાયકલ ઉપર આવી રહેલ સિદી બાદશાહ શખ્શો ટ્રેક્ટર ચાલકને માર મારવા લાગતા આજુબાજુમાંથી વેપારી ભાઈઓ એકત્ર થઇ મામલો શાંત પાડતા હતા.આ દરમ્યાન સિદી બાદશાહ લોકોનું ટોળું એકત્ર થઇ આ માર્ગ ઉપર આવેલ વેપારી મંડળના પ્રમુખ દિપકભાઈ માંડવીયા ની પ્રોવિઝન સ્ટોરમાં ઘૂસી દુકાનમાં કામ કરતા લોકોને માર મારી પથ્થરમારો કર્યો હતો.આ બનાવની જાણ થતા પી.એસ.આઈ.એ.સી.સિંધવ સ્ટાફ સાથે બનાવનાં સ્થળે દોડી જઈ પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસ પણ પથ્થરમારા નો ભોગ બની હતી.
આ બનાવની જાણ વાયુવેગે શહેરમાં પ્રસરતા તાલાલા શહેરની તમાંમ મુખ્ય બજારની દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી.તાલાલા શહેરમાં પીપળવા રોડ ઉપર અવારનવાર તનાવપૂર્ણ સ્થિતિ ઉભી થતી હોય આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગણી સાથે તમાંમ સમાજના વેપારી ભાઈઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતાં.આ બનાવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી.પી.આઈ.વી.કે.ઝાલા સ્ટાફ સાથે દોડી આવી અનિચ્છનીય બનાવ બને નહીં શહેરમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
તાલાલા શહેરમાં પીપળવા રોડ ઉપર અશાંત ધારો લગાવો
તાલાલા શહેરમાં પીપળવા રોડ ઉપર વારંવાર સીદી બાદશાહના યુવાનો દ્વારા મનઘડીત વર્તન કરી નિર્દોષ લોકો સાથે માથાકૂટ કરવાના બનાવો બને છે.પીપળવા રોડ ઉપરની કાયમી અશાંત પરિસ્થિતિથી ત્રાહિમામ વેપારી ભાઈઓએ પીપળવા રોડ તથા આજુબાજુના અસરગ્રસ્ત વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માંગણી કરી છે.
તાલાલા નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ લક્કડ,પૂર્વ ઉપપ્રમુખ અમિતભાઈ ઉનડકટ,ભુપતભાઈ હિરપરા તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અલ્પેશભાઈ રામચંદ્રાણી,બજરંગ દળ પ્રમુખ અરવિંદભાઈ જોટવા,આર.એસ.એસ.મુખ્ય અગ્રણી કમલેશભાઈ દેવળીયા સહિતના તાલાલા શહેરના તમામ સમાજના મુખ્ય અગ્રણીઓ પોલીસ સ્ટેશને જઈ હુમલાખોરોને તુરંત પકડી જાહેરમાં કડક સજા કરવાની માંગણી કરી હતી.તાલાલા શહેરના કાયમી તનાવપૂર્ણ સ્થિતિવાળા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા એક સુરે પ્રબળ માંગણી કરી છે.
જ્યાં સુધી પીપળવા રોડ તથા આજુબાજુના વિસ્તારોમાં અશાંતધારો લાગુ થશે નહીં અને વેપારી તથા પોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.વેપારી મંડળની આ હાકલને લોહાણા મહાજન વાડીમા મળેલ વિશાળ બેઠકમાં તમામ સમાજના વેપારીઓએ એકી સાથે સમર્થન આપ્યું હતું અત્યારે પોલીસ દ્વારા હુમલાખોરો ને પકડવા ચક્રો તેજ કરી દીધા છે.તાલાલા શહેરમાં ફરીથી આવા બનાવો બને નહીં માટે આજથી જ અસામાજીક તત્વો ઉપર ઘોંસ બોલાવવાની કાર્યવાહી શરૂ કરવાની પોલીસે વેપારી મંડળની બેઠકમાં ખાત્રી આપતા તાલાલા શહેર અચોક્કસ મુદતનું બંધનું આપેલ એલાન વેપારી મંડળે પાછું ખેંચ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લા એસ.પી.નો સંદેશો લઈ નાયબ પોલીસ અધિક્ષક ખેંગાર તમામ સમાજના વેપારી ભાઈઓની વિશાળ બેઠક લોહાણા મહાજન વાડીમાં મળી હતી તેમાં એક હજારથી વધુ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ બેઠકમાં ફરીથી આવા કથિત બનાવોનું પુનરાવર્તન થશે નહીં તેની જાહેરમાં ખાતરી આપતાં અચોક્કસ મુદતનું એલાન પાછું ખેંચાયું હતું.

રિલેટેડ ન્યૂઝ