ગુજરાતના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો વૈશ્ર્વિક કક્ષાએ નામના પ્રાપ્ત કરી રહ્યા છે: મંત્રી રાઘવજીભાઈ પટેલ
બજેટમાં એમ.એસ.એમ.ઇ.ના વિકાસ માટે વિશેષ આયોજન: કેન્દ્રીય મંત્રી નિમુબેન
લઘુ ઉદ્યોગ ભારતી અને ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (જેમ)ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે નવમાં ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ મેળા-2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હતું કે, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ઉદ્યોગ જગતને પ્રોત્સાહન મળે એવા તમામ પરિમાણોને સાંકળી લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટથી આજે ગુજરાત રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે એક ઉદ્યોગ વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં 98 હજારથી વધુ એમઓયુ થયા, જેમાં ગુજરાતમાં 45 લાખ કરોડનું રોકાણ થયું છે. આ ઇવેન્ટમાં 40 થી વધુ દેશોએ ગુજરાતને રોકાણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માની મુલાકાત લીધી હતી. એકમાત્ર ગુજરાતમાં ચાર સેમી ક્ધડક્ટર પ્લાન્ટ બનશે, જેનાથી 1.24 લાખ કરોડના ઇલેક્ટ્રોનિક્સ અને સેમીક્ધડક્ટર ચીપ્સ બનાવવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં મધ્યમ કદના ઉદ્યોગો વધુ આગળ આવે તે માટે વિશેષ યોજનાઓ સાથે રાજ્યકક્ષાએથી પણ માતબર રકમ બજેટમાં ફાળવવામાં આવી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગો વૈશ્વિક કક્ષાએ નામના પ્રાપ્ત કરી વિકસિત ભારત 2047ના નિર્માણમાં સહકાર આપશે તેવી મંત્રીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી.
ભારતીય ઔદ્યોગિક મેળા 2025માં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, બજેટ 2025માં એમ.એસ.એમ.ઇ.ના વિકાસ માટે વિશેષ આયોજન થયા છે. જેમાં સૂક્ષ્મ ઉદ્યોગો માટે પાંચ લાખ સુધીની સહાયને દસ લાખ સુધીની કરવામાં આવી તેમજ એમ.એસ.એમ.ઈ.માં પાંચ કરોડથી 10 કરોડ ક્રેડિટ લિમિટ વધારાઈ આ સાથે જ 1.5 કરોડની લોન પણ અપાશે. એમ.એસ.એમ.ઈ.નો વિકાસ એ આત્મનિર્ભર ભારત તરફનું પ્રથમ પગથિયું છે તેમ જણાવી મંત્રીએ કહ્યું હતું કે, ભારતના નાના ઉદ્યોગો નવા નવા લક્ષ્યાંકો હાંસલ કરી રહ્યા છે, તેઓ મોટા ઉદ્યોગોના પૂરક બની નિકાસમાં સિંહ ફાળો આપી ભારતીય અર્થતંત્રને ઉપર લઈ જઈ રહ્યા છે.
ધારાસભ્ય દર્શિતાબેન શાહે બજેટ 2025થી લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા વધુ સહકાર મળશે તેવો હર્ષ વ્યક્ત કરી રાજકોટ ખાતેના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોમાં બેવડો વધારો થશે તેમજ “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને “આત્માનિર્ભર ભારત”ના પ્રયાસોમા રાજકોટ અને ગુજરાત સહયોગી બનશે તેમ જણાવ્યું હતું.
લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના પશ્ચિમ ક્ષેત્રના સંચાલક જયંતીભાઈ આડેસીયાએ ઉદ્યોગોના ઉત્થાન સાથે દેશના વિકાસ વિશેની લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાની પ્રણાલી પર વધુ પ્રકાશ પાડ્યો હતો. જય માવાણીએ આભાર દર્શન વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના શુભારંભ બાદ મહાનુભાવો એ મેળામાં વિવિધ સ્ટોર્સની મુલાકાત લીધી હતી જેમાં રેલવે અને જેમ (ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ)ના સ્ટોલને તેઓએ વખાણ્યા હતા. મંત્રી રાઘવજીભાઈના હસ્તે આર.પી.પી.એલ. કંપનીના સ્ટોલને રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના ગણેશભાઈ ઠુંમર, રાષ્ટ્રીય સંયોજક સુંદરમનજી, કૌશલકુમાર, ઓમ પ્રકાશ, અંજુજી, જૈમીન ઠાકર, ખોડાભાઈ તેમજ હંસરાજભાઈ ગજેરા વગેરે અગ્રણીઓ તથા રાજકોટ અને સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
