તાલાલાના માધુપુર (ગીર) ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત ત્રણના મોત

આઇસરે મોટર સાયકલ તથા નાળીયેર ભરેલ રીક્ષાને ઠોકર મારતા ત્રણ માનવ જિંદગીનો ભોગ લીધો

તાલાલા થી દશ કિ.મી દુર માધુપુર ગીર-સુરવા ગીર ગામ વચ્ચે હનુમાનજી મંદિર પાસે આજે બપોરે બે વાગ્યા આસપાસ થયેલ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના મરણ થતાં આખા પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
તાલાલા પંથકના આ કરુણ બનાવની વિગત એવી છે કે જાવંત્રી ગીર ગામના પ્રભુદાસભાઈ ધીરૂભાઈ વાડોદરિયા તથા દિક્ષિતભાઈ દિલીપભાઈ વાડોદરીયા કાકા-ભત્રીજા તાલાલા ગીરથી બાઈક ઉપર જાવંત્રી ગીર ગામે જતા હતા ત્યારે સુરવા ગીર ગામ તરફથી લીલા નાળિયેર ભરી છકડો રીક્ષા આવતી હતી.આ છકડો રીક્ષા પાછળ બેફામ પૂરઝડપે આવતી આઈસરે(મીની ટ્રક)મોટરસાયકલ તથા નાળિયેર ભરેલ છકડો રીક્ષા ને ઠોકર મારતા બંને વાહન ચાલકો રોડથી દૂર ફેંકાઈ ગયા હતા.સુરવા ગામના યુવાનો તથા આજુબાજુમાંથી એકત્ર થયેલ ખેડૂતોએ પાંચેય ઈજાગ્રસ્તોને તુરંત તાલાલા સરકારી હોસ્પિટલે પહોંચાડ્યા હતા.જેમાં જાવંત્રી ગીર ગામના પ્રભુદાસભાઈ ધીરૂભાઈ વાડોદરિયા ઉ.વ.38 અને દિક્ષીતભાઈ દિલીપભાઈ વાડોદરીયા ઉ.વ.30 કાકા-ભત્રીજા તથા તાલાલા નરસિંહ ટેકરી વિસ્તારમાં રહેતા કિશોરભાઈ હરિભાઈ મારડિયા ઉ.વ.45 ને ફરજ પરના તબીબે મરણ પામેલ જાહેર કર્યા હતા.જ્યારે કિશોરભાઈ ના પત્ની લક્ષ્મીબેન ઉ.વ.35 ને ગંભીર ઇજા હોય વધુ સારવાર માટે વેરાવળ રિફર કર્યા છે.આ અકસ્માતમાં કિશોરભાઈ ના પુત્ર યશવંતભાઈ ઉ.વ.19 ને સામાન્ય ઈજાઓ થઈ છે.આ બનાવ બપોરે બે વાગ્યા આસપાસ બન્યો હતો.
બનાવના સ્થળેથી પસાર થતા રાહદારીઓએ સુરવા ગીર ગામે જાણ કરતા સુરવા ગીર ગામના અગ્રણી,તાલુકા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેન કિશનભાઈ પાનસુરીયા યુવાનો સાથે બનાવના સ્થળે આવી એમ્બ્યુલન્સ આવે તે પહેલાં જ તમાંમ લોકોને તાલાલા હોસ્પિટલે પહોંચતા કર્યા હતા.અકસ્માત કરી આઈશર (મીની ટ્રક)ચાલક ભાગી છુટયો હતો.આ બનાવ અંગે પોલીસ બનાવનાં સ્થળે દોડી જઈ પંચનામું કરી ઇન્ચાર્જ પી.આઈ.એ.બી.ગોહીલે ભાગી છુટેલ મીની ટ્રક ચાલકને ઝડપવા તપાસ શરૂ કરી છે.ભાગી છુટેલ મીની ટ્રક ચાલક તાલાલા નો હોવાનું જાણવા મળે છે.હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.નેન્સિબેન જેતપરા એ ત્રણેય બોડી નું પી.એમ કરી બોડી તેમના પરિવારજનો ને સોંપી હતી.

દિક્ષીતનાં ફેબ્રુઆરી માસમાં લગ્ન હતાં
ત્રિપલ અકસ્માતમાં મૃત્યુ પામનાર દિક્ષીત વાડોદરીયા રાજકોટ જી.ઈ.બી.મા કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.દિક્ષીતભાઈ ની સગાઈ મંડોરણા ગીર ગામે થઈ છે અને તા.02/02/2026 નાં રોજ તેમના લગ્ન હતાં.લગ્નની ખરીદી કરવા માટે જ કાકા-ભત્રીજા તાલાલા આવ્યા હતા અને ખરીદી કરી બાઈક ઉપર જાવંત્રી ગામે જતાં હતાં ત્યારે આ અકસ્માત થયો હતો.આ બનાવથી જાવંત્રી ગીર ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ