વધુ એકવાર ગુજરાતમાં બોમ્બની ધમકીથી અફડાતફડી
તમિલ ટાઇગર્સના પૂર્વ ત્રાસવાદીઓ રહેલા કાશ્મીરી સંગઠનના નામે ધમકીનો ઇ-મેલ મળ્યો
ગુજરાતમાં બોમ્બની ધમકીના ચાલુ રહેલા સીલસીલામાં આજે હાઈકોર્ટ ઉપરાંત રાજકોટ, સુરત, આણંદ, અમદાવાદ અને ભરૂચની અદાલતો તથા ગાંધીનગર કલેકટર કચેરીને આરડીએકસથી ઉડાવી દેવાની ધમકી મળતા જબરી અફડાતફડી સર્જાઈ ગઈ હતી.
અને તમામ અદાલતો ખાલી કરાવીને પોલીસની બોમ્બ શોધક તથા ડોગસ્કવોડ દોડી ગઈ છે અને અદાલતોના ખુણેખુણા તપાસ કરી હતી જો કે કશુ અજુગતુ હજુ મળ્યુ નથી ત્યાંજ ગાંધીનગરની વ્યસ્ત કલેકટર કચેરીને બોમ્બથી ધમકી મળતા જ પોલીસની ટીમ દોડી ગઈ હતી. પુરી કલેકટર કચેરી ખાલી કરાવાઈ હતી અને સમગ્ર ઈમારતમાં તપાસ શરુ કરાઈ હતી. અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તે પોકળ પુરવાર થઈ હતી તો અમદાવાદમાં અનેક ખ્યાતનામ શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી પરંતુ તેમાં પણ કશું હાથ લાગ્યુ ન હતુ. તે સમયે આજે સવારે ગુજરાત હાઈકોર્ટ અને રાજકોટ સહિતની અદાલતોને મેઈલ આઈડી પર મળેલા ધમકીભર્યા સંદેશમાં એક તરફ શ્રીલંકાના એલટીટીઈના સભ્યોએ નવા કાશ્મીરી આતંકી સંગઠનની રચના કરી હોવાનું જણાવીને અદાલતોમાં બોમ્બ મુકાયા હોવાનો ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો અને બપોરે 1.55 વાગ્યા સુધીમાં અદાલતો ખાલી કરી દેવાની ચેતવણી આપવામાં આવી હતી જેના કારણે તુર્તજ અદાલતોની કામગીરી અટકાવીને ખાલી કરાવાઈ હતી. આ ધમકી આઈએસકેપી નામના કાશ્મીરી સંગઠનના નામે મોકલાઈ હોવાનું બહાર આવ્યું હતું જેમાં જરાપણ સમય ગુમાવ્યા વગર પોલીસે તપાસ શરુ કરી છે. સુરતની ડીસ્ટ્રીકટ કોર્ટને ગઈકાલે રાત્રે બે વાગ્યે ઈમેઈલ મળ્યો હતો. અન્ય અદાલતોને પણ આ પ્રકારે ઈમેઈલ મળ્યા બાદ આજે સવારે અદાલતના કામકાજ શરુ થતા જ કર્મચારીઓને ઈમેઈલ પર આ પ્રકારે ધમકી હોવાના ખબર મળતા જ તુર્તજ પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કશુ અજુગતુ મળ્યુ નથી પરંતુ અદાલતની કામગીરી ખોરવાઈ ગઈ હોવાના અહેવાલ છે.
ભારત બહારથી ઈમેઈલ: પગેરૂ શોધવામાં મુશ્કેલી
ગુજરાતમાં મળી રહેલા બોમ્બની ધમકીના ઈમેઈલમાં મોટાભાગે ભારત બહારથી જ અને ડાર્કવેબ દ્વારા તૈયાર કરાયેલા સર્વર મારફત આ ઈમેઈલ મોકલવામાં આવી રહ્યા હોવાથી તેનું પગેરુ શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે અને તેથી આ પ્રકારના ઈમેઈલ સમયે સુરક્ષાતંત્રને દોડધામ થાય છે. જયારે તેમાં આ ધમકીઓ પોકળ જ હોવાનું બહાર આવે છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ગઈકાલે મળેલી ધમકી બાદ આજે અન્ય કોર્ટને આ પ્રકારની ધમકી મળી હતી. આમ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે અને કામકાજને પણ મોટી અસર થાય છે.
