સોમનાથ મહાદેવનાં દર્શન કરતા ડે.સીએમ હર્ષભાઇ સંઘવી 11મીના વડાપ્રધાનના કાર્યક્રમની સમીક્ષા કરતા ડે. સીએમ

વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થળનું નિરીક્ષણ કર્યુ

આગામી તા. 11 મી જાન્યુઆરીને રવિવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સોમનાથ જીલ્લાના પ્રવાસે આવી રહયા છે અને પ્રસિઘ્ધ અને પ્રથમ જયોર્તીલીંગ એવા સોમનાથ મહાદવના દર્શન કરશે. આ સુચિત અને અન્ય કાર્યક્રમો અંગે સ્થળ તેમજ તૈયારીઓની સમીક્ષા રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ આજે કરી હતી. તેમની સાથે કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી પણ જોડાયા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સોમનાથ પહોંચ્યા બાદ આજે તેમણે સોમનાથ મહાદેવના પુજન અર્ચન કરી દર્શન કર્યા હતા અને ભોળાનાથને જળાભિષેક કર્યો હતો.
દર્શન બાદ નાયબ મુખ્યમંત્રી એ આગામી 10 અને 11 તારીખના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ પ્રવાસ અંગે સ્થળ સમિક્ષા કરતાં મંદિર પરિસર, બાણસ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમા થી લઈ હમીરજી સર્કલ, ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમિક્ષા કરી હતી.
પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પમાં ભારતની પ્રાચીન અડગ અને શાશ્વત સાંસ્કૃતિક વિરાસતો-ધરોહરોનું પુન: જાગરણ, પ્રવાસન તીર્થ વિકાસ પણ મુખ્યત્વ છે, જેને આગળ ધપાવતા વિવિધ પ્રકલ્પો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સાકાર થઈ રહ્યા છે.
સોમનાથના તા.10 -11 જાન્યુઆરીના સૂચિત કાર્યક્રમના રૂટ નિરીક્ષણ વખતે નાયબ મુખ્યમંત્રી ની સાથે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ભગવાનભાઈ બારડ, જિલ્લા અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, સંજયભાઈ પરમાર, પુનિતભાઈ શર્મા ગૌરાંગભાઈ રૂપારેલીયા સહિતના પદાધિકારીઓ ઉપરાંત અગ્ર સચિવ મિલિંદ તોરવણે, અગ્ર સચિવ અશ્વિની કુમાર, રાહુલ ગુપ્તા ,મુખ્યમંત્રી ના અધિક અગ્ર સચિવ ડો વિક્રાંત પાંડે, આલોક પાંડે, દિલીપ રાણા, આઈજી નિલેશ જાજડિયા, કલેકટર એન.વી.ઉપાધ્યાય, જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.
નાયબ મુખ્યમંત્રી એ સર્કિટ હાઉસ ખાતે મંત્રી ઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી વિવિધ કાર્યક્રમોની તૈયારી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આગામી બે દિવસમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા અને કામગીરી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ