એક હજાર વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાને યાદ કરી શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે તા. 08 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુન:નિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.
આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. ’હર હર ભોલે’ અને ’જય સોમનાથ’ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે. 1026માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આસ્થાના આ કેન્દ્રને ખંડિત કરવા પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારતવર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને અંજલિ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પણ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિ પણ છે.
