રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ સીઝનની પહેલી મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું છે. બેંગલુરુએ 155 રનનો ટાર્ગેટ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. નદીન ડી ક્લાર્કે છેલ્લા 4 બોલ પર સતત 4 બાઉન્ડરી ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ બાઉન્ડરીમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
19મી ઓવરના ચોથા બોલ પર નદીન ડી ક્લાર્કને બે જીવનદાન મળ્યા હતા. તેણે શબનિમ ઇસ્માઇલના બોલ પર મિડ-વિકેટ તરફ શોટ રમ્યો હતો, જ્યાં અમીલિયા કેરથી કેચ છૂટી ગયો હતો.
આ જ બોલ પર તે રન આઉટ થતા પણ બચી ગઈ હતી. તે બીજો રન લેવા માટે દોડી હતી. સ્ટ્રાઈકર એન્ડ પર વિકેટકીપર જી. કમલિની પાસે તેને રનઆઉટ કરવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ હતી.
ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં આરસીબીએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. એસ. સજનાએ 45 રન બનાવીને ટીમને 150ની નજીક પહોંચાડી હતી. તેણે નિકોલા કેરી (40 રન) સાથે 49 બોલમાં 82 રનની ભાગીદારી કરી હતી. ઓપનર જી. કમલિનીએ 32 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 20 રન બનાવ્યા હતા. નદીન ડી ક્લાર્કે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે લૌરેન બેલ અને શ્રેયંકા પાટીલને એક-એક વિકેટ મળી
હતી.
ઓપનિંગ સેરેમનીમાં જેકલીન, હની સિંહે પર્ફોર્મ કર્યું મેચ પહેલાં ઓપનિંગ સેરેમનીમાં સિંગર હની સિંહ અને બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પણ હાજર રહી હતી.
