શિવરાજપુર બીચ ખાતે કાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી

સવારે 10 વાગ્યે થશે પ્રારંભ
દ્વારકા નજીક આવેલા સુંદર અને મનમોહક શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ રવિવાર તારીખ 11 ના રોજ સવારે 10 વાગ્યે રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પ્રારંભ થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે. આ પ્રસંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવશે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ અને રોમાંચ આપશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં સંભવત સાસંદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય મુળુભાઈ બેરા, પબુભા માણેક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રિલેટેડ ન્યૂઝ