સોમનાથ મંદિર સાથે દેશના લાખો નાગરિકોની શિવ ભક્તિ અને આસ્થા અખંડ રીતે જોડાયેલી છે: મંત્રી વાઘાણી
સોમનાથ સ્વાભિમાન પર્વ અંગેની પૂર્વ તૈયારીઓની મહત્વપૂર્ણ માહિતી આપતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવેલ કે, સોમનાથ મંદિર સાથે દેશના લાખો નાગરિકોની શિવ ભક્તિ અને આસ્થા અખંડ રીતે જોડાયેલી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંસ્કૃતિ અને આધ્યાત્મને આધાર બનાવી દેશને આગળ વધારવા માટે સતત કાર્ય કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ દેશ અને રાજ્યના આસ્થાના કેન્દ્રોની મહત્તા નવી પેઢી સુધી પહોંચાડી શકાઇ છે. સોમનાથ માં ત્રણ દિવસ માટે ઉજવાઇ રહેલું સોમનાથ સ્વાભિમાન પર્વ લોકોના હૃદયમાં વસેલી આસ્થાનું પ્રતિબિંબ છે.
તેમણે ઉમેર્યું હતું કે સોમનાથ મંદિરમાં 72 કલાકના અખંડ ૐકાર જાપનો વિચાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે. વિશ્વના કલ્યાણ અને માનવજાતિના મંગળ માટે ઋષિકુમારો દ્વારા સતત 72 કલાક ૐકાર જાપ કરવામાં આવી રહ્યો છે. આ પવિત્ર અવસર શિવ ભક્તિ અને આધ્યાત્મિક શક્તિનો અનોખો સંગમ બની રહ્યો છે.
કેબીનેટમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મહાદેવનો જીર્ણોદ્વાર કરાવીને રાષ્ટ્રની આસ્થા અને સ્વાભિમાનને પુન:સ્થાપિત કર્યું હતું. ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અનેક મહાન આત્માઓએ બલિદાન આપ્યાં છે, તેમના સ્મરણ અને સન્માન રૂપે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. આજે તા. 10 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે. તેમની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઐતિહાસિક બનશે. વડાપ્રધાનના અભિવાદન માટે 108 ઘોડાઓની શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ભવ્ય ડ્રોન શો દ્વારા આ ઉજવણીને વિશેષ આકર્ષક બનાવવામાં આવશે.અંતમાં મંત્રી એ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં પણ સહભાગી બનવાના છે, જે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિકાસ અને રોકાણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
