રાજકોટ જીલ્લા પંચાયત સ્થળાંતર ખર્ચ મામલે વિપક્ષ નેતાને મળવા 10 દિવસનો સમય અપાયો

રાજકોટ જિલ્લા પંચાયતમાં ચર્ચાસ્પદ બનેલા 84 લાખના સ્થળાંતર ખર્ચ વિવાદમાં વિપક્ષ ઝુકવા તૈયાર ન હોય તેમ ફરી વખત સવાલ ઉઠાવ્યા છે અને તંત્ર ચર્ચા કરવાથી ભાગી રહ્યાનો આક્ષેપ કર્યો છે.
જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના વિપક્ષી નેતા મનસુખભાઇ સાકરીયાએ સ્થળાંતર ખર્ચ ઉપરાંત જિલ્લાના રોડ-રસ્તા આરોગ્ય, શિક્ષણ સહિતના વિવિધ લોેક પ્રશ્ર્નોએ ચર્ચા કરવા અને આવેદનપત્ર આપવા માટે સમય આપવા ડીડીઓને ગત તા.7મીના રોજ લેખિત પત્ર લખ્યો હતો. વિપક્ષી નેતા સાકરીયાએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારીના પીએ દ્વારા આજે ફોન આવ્યો હતો અને આગામી તા.20મીએ મીટીંગ કરવાનું કહ્યું હતું. પ્રજાના પ્રશ્ર્નો માટે પ્રજાના પ્રતિનિધિને જ દસ દિવસ પછીનો સમય આપવામાં આવતો હોય તો સામાન્ય લોકોનું શું થતું હશે તેવો સવાલ ઉઠાવતા તેઓએ જણાવ્યું હતું કે આ મામલે ફરી વખત ધ્યાન દોરાશે અને વહેલી તકે મીટીંગ નક્કી ન થાય તો આંદોલનાત્મક કાર્યક્રમ વિચારવામાં આવશે. મીટીંગ માટે મોડો સમય આપવા પાછળ વાઇબ્રન્ટ સમીટની વ્યસ્તતાનું કારણ આપવામાં આવ્યું હતું. પરંતુ આ કારણ ગળે ઉતરતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો રવિવારે જ ઉદ્ઘાટન કરીને પરત ફરી જવાના છે ત્યારે તંત્ર ચર્ચા કરવાથી દૂર ભાગી રહ્યા છે. આવતા સપ્તાહમાં વહેલી તકે મીટીંગ થાય તે માટે ધ્યાન દોરવામાં આવ્યું છે. અન્યથા લડતના કાર્યક્રમો શરુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા પંચાયતના રેસકોર્ષ સ્થિત બિલ્ડીંગનું નવ નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 30 કરોડથી અધિકના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જુની કચેરી ખાલી કરીને હોસ્પીટલ ચોક નજીક આવેલ જુની કોર્ટ બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતનો સમગ્ર સરસામાન જુની કચેરીએથી ખસેડીને નવી કામચલાઉ બિલ્ડીંગમાં લઇ જવામાં આવ્યો હતો. જુની કોર્ટ બિલ્ડીંગમાં પ્લમ્બીંગ સહિતનું થોડું-ઘણું સમારકામ પણ કરાવવામાં આવ્યું હતું. આ જુદી-જુદી કામગીરીનો ખર્ચ 84 લાખ દર્શાવાયો હતો. વિપક્ષે આ મુદ્ો ઉપસ્થિત કરતાં શાસક પક્ષ પણ યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. છેવટે ખર્ચની તપાસ માટે કમિટિની રચના કરવામાં આવી હતી તેના દ્વારા વચગાળાનો રિપોર્ટ આપી દેવાયો હતો પરંતુ તે જાહેર કરાયો ન હોવાથી વિપક્ષ દ્વારા એ જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ