સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ખેડૂતે રતાળુની ખેતીથી કરી લાખોની કમાણી

અમરેલી જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને નવનવી અને વૈકલ્પિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ’ઓછો ખર્ચ, જોખમ ઓછું અને નફો વધુ મળે’ તેવી ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આવી જ એક પ્રેરણાદાયી કાર્ય અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ખેડૂત વિનુભાઈ બાળધાની છે, જેમણે રતાળુની ખેતી કરીને ઉત્તમ સફળતા મેળવી છે.
વિનુભાઈ બાળધા નામનાં ખેડૂતે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અને ખેતીને જ પોતાનો મુખ્ય વ્યવસાય બનાવ્યો છે. પરંપરાગત રીતે ખેતી પાકમાં ખર્ચ વધતો જાય છે. અને આવક અનિશ્ચિત રહેતી હોવાથી તેમણે કંઈક અલગ વિચાર કર્યો હતો. તેઓએ ગયા વર્ષે નવા પ્રયોગરૂપે રતાળુની ખેતી શરૂ કરી હતી. અને પ્રથમ જ વર્ષે તેમને સારો પ્રતિસાદ મળ્યો હતો. આમા સફળતા મળતાં આ વર્ષે પણ તેમણે 5 વીઘામાં રતાળુનું વાવેતર કર્યું છે. અને હાલ ઉત્પાદન પણ ખૂબ સારું મળી રહ્યું છે.
રતાળુની ખેતીનું સૌથી મોટું ફાયદો એ છે કે, આ પાકને જંગલી પશુઓથી મોટું નુકસાન થતું નથી. વિનુભાઈ જણાવે છે કે, આ પાકને ના તો જંગલી ભૂંડ ખાઈ શકે છે. અને ના તો નીલગાય નુકસાન પહોંચાડી શકે છે.
તેથી પાકની રક્ષા માટે વધારાનો ખર્ચ કરવો પડતો નથી. આ કારણસર રતાળુને જંગલી પાક તરીકે પણ ઓળખવામાં આવે છે.
ખેતી ખર્ચ વિશે વાત કરતાં વિનુભાઈ જણાવે છે કે, એક વીઘામાં અંદાજે રૂપિયા 50 હજાર જેટલો ખર્ચ થાય છે. જ્યારે ઉત્પાદન તરફ નજર કરીએ તો એક વીઘામાંથી રૂ.1,50,000 થી રૂ.1,70,000 સુધીની આવક મળી જાય છે. એટલે કે ખર્ચ ઘટાડ્યા બાદ પણ ખેડૂતને નોંધપાત્ર નફો મળે છે.
બજારમાં રતાળુની માંગ સતત રહેતી હોવાથી ભાવ પણ સારા મળે છે. રતાળુની ખેતીમાં પાણીની જરૂરિયાત પણ મર્યાદિત હોય છે. અને જમીન પર ખાસ ભાર પડતો નથી. આ પાક ઓછા સમયમાં તૈયાર થતો હોવાથી ખેડૂતને ઝડપી આવક મળે છે. સાથે સાથે ખેતીમાં જોખમ પણ ઓછું રહે છે, જે આજના સમયમાં ખૂબ મહત્વનું છે.

રિલેટેડ ન્યૂઝ