મેગા ઓપરેશન : સુરતમાં ગજેરા બંધુ પર આઈટીની રેડ

રીયલ એસ્ટેટ સહિત 30 સ્થળે તપાસ : મુંબઈ સુધી છેડા પહોંચ્યા

સુરતના ડાયમંડ કીંગ એવા જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઇ ગજેરાને ત્યાં આજે સવારે ઇન્કમટેક્ષે મોટા પાયે દરોડાની કાર્યવાહી શરૂ કરતા સમગ્ર સુરતમાં ચકચાર ફેલાઇ છે. અમરેલી સુધી વેપાર ધંધો અને સામાજિક સહિતની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગ્રુપ પર મોટા આદેશના પગલે દરોડાનો દોર શરૂ થયાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં અમદાવાદમાં આવકવેરા વિભાગે મોટું ઓપરેશન કર્યું હતું. આ બાદ ડાયમંડ સીટી સુરતમાં આ દરોડા શરૂ કરવામાં આવ્યા છે, વસંતભાઇ અને ચુનીભાઇના ધંધાકીય સ્થળો, કંપનીની ઓફિસો પર આ તપાસ ચાલી રહી છે. રીયલ એસ્ટેટમાં પણ આ ગ્રુપ જોડાયેલું હોય બન્ને ધંધાઓ અને તેના વ્યવહારો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ડાયમંડ અને રીયલ એસ્ટેટમાં કુલ 30 થી વધુ જગ્યાઓ પર આ દરોડાનો દોર ચાલી રહ્યો છે.
સુરત ઉપરાંત વલસાડ અને મુંબઇમાં પણ આવકવેરાની ટીમોએ દરોડા પાડયા છે. અમદાવાદ સહિતની આવકવેરા અધિકારીઓની ટીમ સવારથી સર્ચમાં લાગી છે. સૌરાષ્ટ્રમાંથી પણ આવકવેરા અધિકારીઓને તેડાવામાં આવ્યાનું જાણવામાં મળ્યું છે. આ દરોડામાં હજુ સુધી કેટલો મોટો દલ્લો કે બેનામી વ્યવહારો પકડાયા તે હજુ બહાર આવ્યું નથી. પરંતુ મોટા પાયે ડાયમંડ અને રીયલ એસ્ટેટના ધંધા પર પડેલા દરોડાથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે. આજે સવારે હજુ આવકવેરા વિભાગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. પરંતુ બપોર બાદ કરચોરી સહિતની બાબતો અંગે પ્રાથમિક વિગતો જાહેર થશે તેમ માનવામાં આવે છે.

રાજકોટના આર્યા રીસોર્ટમાં પણ તપાસ
નાણાંકીય વર્ષની સમાપ્તિ પુર્વે ટેકસ વસુલાત ટારગેટ હાંસલ કરવા છેલ્લા એકાદ સપ્તાહથી ઈન્કમટેકસ એક્શનમાં આવ્યુ જ છે. અમદાવાદ, સુરતમાં દરોડા વચ્ચે રાજકોટમાં ગત સપ્તાહમાં જવેલર્સને ત્યાં તપાસ કરાયા બાદ હવે આર્યા કલબમાં પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. માહિતગાર સાધનોએ કહ્યું છે કે કાલાવડ રોડ સ્થિત આર્યા કલબમાં આવકવેરાની ટીમ ત્રાટકી હતી. નાણાંકીય વ્યવહારો, મેમ્બરશીપ ફી, મેમ્બરશીપ સંખ્યા, કલબ દ્વારા વસુલાતા વિવિધ ચાર્જ સહિતના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી. રોકડ વ્યવહારોને તપાસ હેઠળ આવરી લેવાયા હતા. આવકવેરા વિભાગ દ્વારા તપાસની વિગતો વિશે કોઈ ફોડ પાડવામાં આવતો નથી પરંતુ તેના કનેકશનમાં તપાસ વધુ લંબાવાના સંકેતો છે. કલબના પ્રમોટરો સુધી પણ તપાસ લંબાવાની શકયતાનો ઈન્કાર કરાતો નથી. રાજકોટમાં કદાચ પ્રથમવાર મેમ્બરશીપ કલબ પર ઈન્કમટેકસની તપાસથી સભ્યો ઉપરાંત વેપાર ધંધાર્થીઓમાં પણ ફફડાટ છે.

રિલેટેડ ન્યૂઝ