એઇમ્સની હોસ્ટેલમાંથી તબીબી છાત્ર રહસ્યમય સંજોગોમાં ગુમ થતા ચકચાર

છાત્ર અચાનક ફોન સ્વીચઓફ કરી નીકળી ગયો: છાત્રોમાં ચિંતા: પોલીસે તપાસ હાથ ધરી

એઈમ્સ હોસ્પિટલની મેડીકલ કોલેજની હોસ્ટેલમાંથી ગઈ રાતે તબીબી છાત્ર ભેદી રીતે ત્યાંથી નીકળી ગુમ થઈ જતાં ગાંધીગ્રામ પોલીસ દોડતી થઈ હતી અને સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ આદરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, એઈમ્સ હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતો છાત્ર રતનકુમાર મેઘવાલ (ઉ.વ.25) ત્યાં જ આવેલ મેડિકલ હોસ્ટેલમાં રહે છે. જે ગઈ રાતના 10 વાગ્યાની આસપાસ હોસ્ટેલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. જે બાદ એઈમ્સ પ્રશાસને તેની શોધખોળ મળતા તે મળી આવ્યો ન હતો. જે અંગે એઈમ્સ સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં ટીમ દોડી આવી હતી અને સીસીટીવી ફુટેજના આધારે તેની શોધખોળ આદરી હતી. વધુમાં પોલીસના જણાવ્યા મુજબ, તબીબી છાત્ર છેલ્લા પરા પીપળીયા પાસે જોવા મળ્યો હતો. ઉપરાંત એઇમ્સ સ્ટાફની પૂછપરછ પણ હાથ ધરી છે. છાત્ર મૂળ રાજસ્થાનનો વતની છે અને છેલ્લા ચાર વર્ષથી અહીં અભ્યાસ કરે છે, આ વર્ષ તેનું અભ્યાસનું છેલ્લું વર્ષ છે.
જે મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને કોંગી નેતા અશોકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, એમ્સ હોસ્પિટલ અને મેડીકલ હોસ્ટેલના અધિકારી ડો.અભિષેક મિશ્રાની સિધી જ જવાબદારી બને છે, કારણ કે, નિયમ મુજબ હોસ્ટેલના ગેઈટ રાત્રે 10 વાગે બંધ કરવાનો હોય છે અને રાત્રે તેમજ સવારે વિધાર્થીઓની હાજરી ચકાસવાની હોય છે, છતા કેમ ધ્યાને ન આવ્યુ, ટાઈટ સિક્યુરીટી વ્યવસ્થામા વ્યાપક છીંડા હોવાનું પણ જણાવ્યું હતું.
તેમજ એમ્સ હોસ્પિટલના અધિકારીની ફરજ બેદરકારી અંગે એમ્સ હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટર ડો અંકુરપ્રતાપસિંઘનુ ધ્યાન દોરી ગાયબ સ્ટુડન્ટને સહી સલામત શોધવા અને હોસ્ટેલના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત પણ કરી છે.

રિલેટેડ ન્યૂઝ