રાજ્યમાં લોન્ડ્રીના ધંધાર્થીઓ પર જીએસટીના દરોડા

રાજકોટ સુરત ભાવનગર કચ્છ સહિતના શહેરોમાં વ્યાપક તપાસ

નવુ નાણાકીય વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે સ્ટેટ જીએસટી વિભાગ ફરી સક્રીય બન્યુ છે અને વેરાનો લક્ષ્યાંક પુર્ણ કરવા માટે દરોડાનો દૌર શરુ કરવામાં આવ્યો છે. હાલમાં જ રાજકોટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા રાજકોટ શહેરમાં મિકેનીકલ વાલ્વના મોટા ઉત્પાદકને ત્યાં દરોડા પાડી કરચોરી અંગે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન જીએસટી વિભાગે રૂા. અડધો કરોડની કરચોરી પણ ઝડપી લીધી હતી.
દરમ્યાન આજરોજ સવારથી સ્ટેટ જીએસટી વિભાગની વડી કચેરી અમદાવાદથી રાજયવ્યાપી દરોડાનો દૌર શરુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી વિગતો મુજબ આજે સવારથી રાજયભરમાં જીએસટી વિભાગના અધિકારીઓની 40 જેટલી ટીમો રાજયના જુદા જુદા શહેરોમા ત્રાટકી છે અને લોન્ડ્રી સર્વિસના ધંધાર્થીઓને ઝપટે લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં સ્ટેટ જીએસટી વિભાગના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્ટેટ જીએસટી વિભાગની એન્ફોર્સમેન્ટ વિંગને લાંબા સમયથી એવી ફરિયાદો મળી હતી કે ચોપડે અસલ વેપાર નહી દર્શાવી અને બેનામી વ્યવહારો કરી તેમજ કાચી ચીઠ્ઠી પર વ્યવહારો કરી લોન્ડ્રી સર્વિસના ધંધાર્થીઓ દ્વારા મોટાપાયે કરચોરી કરાઈ રહી છે. આથી આ બાબતને ધ્યાને રાખી અમદાવાદથી આજે સવારથી રાજયભરના જીએસટી અધિકારીઓની ટીમો જુદા જુદા શહેરોમાં 35થી40 સ્થળોએ ત્રાટકી છે.
મળતી વિગતો મુજબ રાજકોટમાં 10 સ્થળો ઉપરાંત અમદાવાદ, સુરત, ભાવનગર, કચ્છ સહિતના સ્થળોએ જીએસટી વિભાગની ટીમો લોન્ડ્રી સર્વિસના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે લોન્ડ્રી સર્વિસ પર 18 ટકા જીએસટી લાગુ પડે છે. જો કે આ ધંધાર્થીઓ દ્વારા મોટાપાયે કરચોરી લાંબા સમયથી કરાતી હોય તંત્રએ આજે સવારથી દરોડાનો દૌર શરુ કર્યો છે. આ તપાસો હજુ બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહે તેવી શકયતા છે અને તપાસના અંતે લાખો રૂપિયાની કરચોરી હાથ લાગે તેવી પણ સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ