જૈન સમાજના નીતિ નિયમોનો ઉલાળ્યો થયાની રાવ: જવાબદારો સામે ગુનો નોંધવા માંગ
સમસ્ત જૈનો માટે અત્યંત પવિત્ર મનાતા પાલીતાણાના તીર્થધામ શ્રી શત્રુંજયગિરિ પર ગઈકાલે દાદાના દરબારમાં વિધર્મી ફોટોગ્રાફરોએ મૂળનાયક શ્રી આદિશ્ર્વર દાદાના ગભારામાં પ્રવેશીને દાદાના ઢીંચણ પર ચડીને ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરતા ભારતભરના જૈન સંઘોમાં ભારે આક્રોશ છવાયો છે. આ ઘટનાથી સમસ્ત જૈન સમાજ ધુંવાપુંવા થયો છે. ભયાનક અશાતના થવા પામી છે. શ્ર્વાસો લેનાર દાદાના બિંબ સાથે ગઈકાલે અણછાજતી હરકત થતા પાલીતાણામાં બિરાજમાન જૈનાચાર્યો, મુનિ ભગવંતો પણ સખત આઘાત પામ્યા છે. વિધર્મી કંપનીને વીડિયોગ્રાફી તથા ફોટોગ્રાફી માટે આણંદજી કલ્યાણજીની પેઢીએ કોન્ટ્રેક આપ્યો હતો અને લેખિતમાં પરમિશન આપવામાં આવી છે. પેઢીએ આ નિર્ણય લીધો તેમાં સૌને વિશ્ર્વાસમાં લીધા હતા કે નહિ તેવો પ્રશ્ર્ન બહાર આવીને ઉભર્યો છે.
આણંદજી કલ્યાણજી પેઢીએ લખનૌની વિધર્મી કુલમેન ક્રિએટીવ કોન્સેપ્ટ કંપનીને કોન્ટ્રાકટ આપેલો છે. આશરે 42 લાખથી વધુ રૂપિયાનો કોન્ટ્રાકટ ફોટોગ્રાફી માટે આપ્યો છે. કોન્ટ્રાકટમાં જૂનાગઢના ગિરનારના દેરાસરનો તથા ચણાકપુરના દેરાસરનો સમાવેશ થયો છે. ગઈકાલે કંપનીના ફોટોગ્રાફરો ડુંગર પર જઈને વીડિયોગ્રાફી લેવા માટે ગયા અને જાણવા મળ્યું છે કે પેઢીએ કોન્ટ્રાકટ પણ વિધર્મી કંપનીને આપેલો છે.
હદ તો ત્યાં થઈ કે જયારે દાદાના ગભારામાં દાદાના પગ સુધી વ્યકિત પૂજનના વસ્ત્રો વગર ગયો, મોજાવાળા ગંદા પગે ઉપર ચડયો. આ ઘટનાની સમસ્ત જૈન સમાજમાં સોશ્યલ મીડિયા દ્વારા પ્રસારિત થતા સમસ્ત જૈનોએ આ ઘટનાને વખોડી છે. અને જેના ઈશારે આ કોન્ટ્રાકટ અપાયો હોય તેની સામે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરાઈ છે.
શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ કોન્ટ્રાકટ તા.24મી જુલાઈના 2025માં આપેલો હતો. તેમાં ત્રણ તીર્થો ગિરનાર તીર્થ (ત્રણ દિવસ), શત્રુંજય તીર્થ (3 દિવસ) તથા રાણકપુર તીર્થ (2 દિવસ)નો સમાવેશ કરાયો છે.
શત્રુંજય તીર્થમાં દાદાના દરબારમાં વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા ગયેલા વિધર્મી ફોટોગ્રાફરોની અણછાજતી હરકતથી જૈન સમાજમાં આક્રોશનો અગ્નિ જોવા મળી રહ્યો છે. જેમ જેમ વિવિધ ગામો અને શહેરોના જૈન સંઘોમાં આ સમાચાર સોશ્યલ મીડિયા દ્વારા પ્રસારિત થતા ઉહાપોહ મચી જવા પામ્યો છે.
ભારતભરમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી જવા પામ્યા છે. અને સર્વત્ર વિરોધની આંધી ઉઠી છે. આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓના આવા મનઘડંત નિર્ણયો સામે આક્રોશ છવાયો છે.
શત્રુંજય તીર્થ
પેઢીએ શત્રુંજય તીર્થ માટે વિધર્મી કંપનીના ફોટોગ્રાફરોને આઉટડોર ફોટોગ્રાફી વીડિયોગ્રાફી માટે તીર્થના દાદાના દરબારની, મૂળનાયકની, સાંજની આંગી, આરતી તથા સ્નાત્ર પૂજાની, પક્ષાલ, અભિષેકની વીડિયો તથા ફોટોગ્રાફી માટે દર્શાવેલ છે.
ગિરનાર તીર્થ
ગિરનારના શ્રી નેમિનાથ દેરાસરમાં મૂળનાયક સહિત હિલની, મુખ્ય દેરાસરની, પક્ષાલ, આંગી, આરતીની વીડિયો તથા ફોટોગ્રાફી માટેની મંજુરી પેઢીએ આપેલ છે.
રાણકપુર તીર્થ
રાણકપુરના મુખ્ય દેરાસરનો સંપૂર્ણ વીડિયો તથા ફોટોગ્રાફી, સવારના પક્ષાલ, અભિષેક, આરતી, આંગીની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી માટે પેઢીએ કોન્ટ્રાકટમાં દર્શાવેલ છે. આ કાર્ય માટે 1,2 કે સાત ફોટોગ્રાફરની ટીમ જઈ શકશે.
તેમાં ગઈકાલે વિધર્મી કંપનીના ફોટોગ્રાફરો શત્રુંજયગિરિએ જઈને વીડિયોગ્રાફી તથા ભયંકર અશાતના થાય તે રીતે શુટીંગ કરતા સમસ્ત જૈન સમાજમાં આક્રોશ ફેલાયેલો છે. ભવિષ્યમાં હવે પછી આવી હરકત ન થાય તે માટે જૈનાચાર્યો સહિતના પ્રબુધ્ધ જૈનો એકત્રિત થનાર છે.
